- મટીરિયલના ભાવમાં વધારો થતાં ઇન્ડસ્ટ્રીને આર્થિક નુકસાન
- રો મટિરિયલ્સના અછતના કારણે સાડીના બોક્સની કિંમતમાં વધારો
- સાડીના બોક્સ ઉપર 15 થી 20 ટકાનો ભાવ વધારો
સુરત : લોકડાઉન દરમિયાન આર્થિક મંદી અને પેપર,ગમ, કેમિકલ, પી.વી.સી ,પોલિસ્ટર ફિલ્મ, પ્રિન્ટીંગ મટીરિયલના ભાવમાં વધારો થતાં સુરતના સાડી બોક્સ ઇન્ડસ્ટ્રીને આર્થિક નુકસાન થવા પામ્યું છે. જેથી રો મટિરિયલ્સના અછતના કારણે સાડીના બોક્સની કિંમતમાં સુરત બોક્સ પેકીંગ એસોસિએશને 15 થી 20 ટકાનો ભાવ વધારા સાથે ઓર્ડર લેવાનો વિચાર કર્યો છે. તેમજ આ જ ભાવમાં વેપાર કરવા માટે તમામ વેપારીઓને જણાવ્યું છે.
બોક્સ માટે વપરાતું રો મટીરિયલની અછત
સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં કોરોના કાળના કારણે આર્થિક મંદી જોવા મળી રહી છે. જેનાથી સુરતનું સાડી બોક્સ પેકીંગ એસોસિએશન પણ બાકાત નથી. બોક્સ માટે વપરાતું રો મટીરિયલની અછત અને ભાવમાં વધારો થતાં એસોસિએશન સાથે સંકળાયેલા તમામ વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. પેપર મિલોના પ્લાન્ટ કેટલાક દિવસથી બંધ રાખવામાં આવ્યા હતા. બોક્સ બનાવવા માટે વપરાતી તમામ વસ્તુઓ પણ મોંઘી થઇ ગઈ છે. જેની સીધી અસર બોક્સ બનાવનાર વેપારીઓને થઈ રહી છે. બોક્સ ઇન્ડસ્ટ્રીને હાલ આર્થિક ફટકો પડી રહ્યો છે. જેનાથી બહાર આવવા માટે સુરત બોક્સ પેકીંગ એસોસિએશન દ્વારા સાડીના બોક્સ ઉપર 15 થી 20 ટકાનો ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે, જે પણ ઓર્ડર મળશે. તે પેમેન્ટ ધારાધોરણ મુજબ નિયત સમયગાળામાં આપવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન પેમેન્ટ નહીં ચૂકવશે તે વેપારીઓ સાથે તેઓ વેપાર કરશે નહીં.
માત્ર 50 ટકા જેટલા શ્રમિકો પરત આવ્યા
એસોસિએશન સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે, આ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે પરપ્રાંતથી આવેલા શ્રમિકો કાર્યરત છે. પરંતુ લોકડાઉન દરમિયાન જે શ્રમિકો પોતાના વતન ગયા હતા. તેમાંથી માત્ર 50 ટકા જેટલા શ્રમિકો પરત આવ્યા છે. તેમજ રો મટીરિયલની કિંમતમાં પણ વધારો થયો છે. જેની સીધી અસર વેપારમાં થઈ છે. કેટલાંક લોકોએ વેપાર પણ છોડી દીધો છે. તેમજ અન્ય વેપાર શરૂ કરી દીધા છે. આ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે બોક્સની કિંમતમાં જ વધારો કરવાનો નિર્ણય કરાયો છે.