સુરતઃ શહેરની હવામાં ખતરનાક હદે પ્રદૂષણ વધી રહ્યું છે. સુરતીલાલા માટે સુરતની હવા જ ચિંતાનો વિષય બની ગઈ છે. સુરત શહેરની હવાનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 345 પહોંચી ગયો છે. જે અનુસાર સુરત શહેરની હવા શહેરીજનો માટે હાનિકારક છે. બીજી તરફ સુરત મનપાની વેબસાઈટ પર છેલ્લા બે મહિનાથી વાયુ પ્રદૂષણના ડેટાને અપડેટ કરવામાં આવ્યા નથી.
શિયાળાની ઋતુમાં જ હવા પ્રદૂષિતઃ સુરત શહેરની હવામાં પ્રદૂષણ વધતું જાય છે. શિયાળાની ઋતુમાં સુરતીલાલાઓને પ્રદૂષણ મુક્ત હવા મળી રહી નથી. સુરત મહા નગર પાલિકા દ્વારા સેન્સર બેઝ એર ક્વોલિટી મોનિટરિંગ દ્વારા 20 વિવિધ લોકેશન પરની હવાના પ્રદૂષણ વિશેની લાસ્ટ અપડેટ છેલ્લા બે મહિના જૂની છે. આ 20 મહત્વના સ્થળોમાં દિલ્હી ગેટ, હીરાબાગ હેલ્થ કેર, સાંઈબાબા મંદિર એરપોર્ટ, બીએસએનએલ ઓફિસ, કલર ટેક્સ ઈન્ડસ્ટ્રી સચિન વગેરે જેવા સ્થળોનો સમાવેશ થાય છે.
તંત્ર સફાળુ જાગ્યુંઃ અત્યાર સુધી દિલ્હી, મુંબઈ જેવા શહેરોના એક્યુઆઈ માટે નિષ્ણાતો અને નાગરિકો ચિંતા કરતા હતા, પરંતુ હવે ગુજરાતના સુરત શહેરની હવાનો એક્યુઆઈ 345 જણાતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સુરત મનપા દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. એક ઈમરજન્સી મીટિંગ પણ યોજાઈ હતી. જેમાં મનપાના આઠ વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં હવાના પ્રદૂષણને ડામવાના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી.
એર કવાલિટીની તપાસ માટે ભારત સરકાર દ્વારા નિયુકત થયેલ જર્મનીની પ્રાઈવેટ સંસ્થા GIZ દ્વારા એક વર્ષ માટે નિઃશુલ્ક મશિન્સ મુકવામાં આવ્યા હતા. આ સમય મર્યાદા પૂર્ણ થતા આ સેવા વધુ 6 મહિના સુધી લંબાવવામાં આવી હતી. હાલમાં મનપા દ્વારા જૂની ગાઈડલાઈન અનુરુપ સ્ટેશન સાયન્સ સેન્ટર ખાતે મુકવામાં આવ્યા છે ઉપરાંત જીપીસીબી દ્વારા 10 જગ્યાએ મેન્યૂઅલ એક્યુઆઈનું નિયમિત એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે ...જ્વલંત નાયક(અધિકારી, સુરત મહા નગર પાલિકા)