સુરત : પરંપરાગત ઢોલવાદનમાં આમ તો આજ દિન સુધી મહારાષ્ટ્રના યુવાનો દમ બતાવતા નજરે આવે છે. પરંતુ આ પરંપરાગત ઢોલવાદનનું જતન કરવાં માટે હવે સુરતના શિક્ષિત યુવાઓ આગળ આવ્યા છે. ગણેશોત્સવના ત્રણ મહિના પહેલાથી જ સુરતના એન્જિનિયર, વકીલ, શિક્ષકો સહિત અન્ય ક્ષેત્રના યુવાનો પરંપરાગત ઢોલવાદન માટે પ્રેક્ટિસ કરતા નજર આવે છે.
રીલ લાઇફ નહીં રીયલ લાઇફ : જ્યાં એક તરફ હાલ આજના યુવાનો નાઈટ પાર્ટીસ અને સોશિયલ મીડિયામાં રીલ બનાવવામાં વ્યસ્ત હોય છે, ત્યારે સુરતના શિક્ષિત યુવાનો હાલ પરંપરાગત ઢોલવાદનને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. વર્ષ 2018માં સુરતના એન્જિનિયર કૃણાલ ગાવડે દ્વારા કલેશ્વરનાથ ઢોલ પથકની શરૂઆત કરવામાં આવી હતી અને આજે આ ગ્રુપમાં 120 પણ વધુ શિક્ષિત યુવક યુવતીઓ જોડાયેલા છે.
પરંપરાગત ઢોલવાદન આ ગ્રુપ બનાવવા પાછળનું મુખ્ય કારણ પરંપરાગત ઢોલવાદનને મહારાષ્ટ્ર સિવાય ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જીવંત રાખવાનો પ્રયાસ છે. શનિવાર રવિવાર જ્યારે શહેરના યુવાનો વિકેન્ડની મસ્તીમાં હોય છે ત્યારે આ ગ્રુપના યુવાનો 14 કિલોનું ઢોલ લઈ પ્રેક્ટિસ કરતા નજરે આવે છે. જે રીતે મહારાષ્ટ્રમાં ઢોલ પથક લોકોને આકર્ષિત કરે છે તે જ રીતે સુરતમાં આ ઢોલ પથક આકર્ષણનું કેન્દ્ર છે.
સુરતની યુવતીઓ પણ શીખે છે સુરતમાં ગણેશોત્સવ માટે પરંપરાગત ઢોલવાદન શિખવાડવા માટે મુંબઈ અને પૂણેથી ટ્રેનર પણ આવે છે. આ ગ્રુપમાં મહિલાઓ અને નાની વયની દીકરીઓએ પણ ઉત્સાહભેર ભાગ લેતી જોવા મળી છે. ગણેશ ઉત્સવ દરમ્યાન તેઓ ભારેભરખમ ઢોલ સતત વગાડીને તેઓ એકથી બે કિલોમીટર સુધી ચાલતા પણ હોય છે. આ પથક માત્ર ઢોલ પરંપરાને જીવિત રાખવા માટે કાર્યરત છે. જો કોઈ ચાર્જ પણ આપે તો તેને ચેરિટીમાં તેઓ વાપરતા હોય છે.
કલેશ્વરનાથ ઢોલ પંથક અમારા ગ્રુપનું નામ છે. એની ત્રણ બ્રાંચ છે. જેમાંથી એક બ્રાન્ચ મુંબઈ અને બીજી પૂણેમાં છે. ત્રીજી વર્ષ 2018માં સુરતમાં સ્થાપવામાં આવી છે. અમારા ગ્રુપમાં 120 સભ્યો છે 20 થી 25 જેટલી યુવતીઓ છે. હું પોતે એન્જિનિયર છું. આ ગ્રુપમાં ઉચ્ચ શિક્ષણ ડિગ્રી ધરાવનાર યુવક અને યુવતીઓ છે તમામ વર્ગના અને જાતિ અને ધર્મના લોકો આ ગ્રુપ સાથે જોડાયેલા છે. ગ્રુપમાં 14 વર્ષથી લઈને 35 વર્ષના સભ્યો છે. ગ્રુપમાં તો મોટાભાગે ગ્રેજ્યુએટ છે તેમ અનેક લોકો આઈટી એન્જિનિયર છે તો કોઈ એડવોકેટ છે,ડાન્સર છે, તો અન્ય અલગ અલગ ફિલ્ડમાં સંકળાયેલા છે. આ ઢોલ માટે અમે ટ્રેનિંગ લીધી છે...કુણાલ ગાવડે (કલેશ્વરનાથ ઢોલ પંથક )
કોઈપણ સભ્ય પાસે ફી લેવામાં આવતી નથી કુણાલ ગાવડેએ કહ્યું કે વધુમાં મુંબઈ અને પૂણેથી ટ્રેનર આવે છે ગણેશ ઉત્સવના બેથી ત્રણ મહિના પહેલા જ અમે પ્રેક્ટિસ શરૂ કરી દેતા હોઈએ છીએ. અમે છ કલાક પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. આ પારંપરિક ઢોલવાદન છે. હાલ યુવક યુવતીઓ વેસ્ટર્ન કલ્ચરથી વધારે પ્રભાવિત થાય છે અને ખાસ કરીને જ્યારે વિકેન્ડ હોય તેમને નાઈટ લાઈફ જોઈએ. ત્યારે અમારું ગ્રુપ શનિવાર રવિવાર ફરવા મુકવા કરતા આ પરંપરાગત ઢોલ વગાડવામાં સમય આપે છે. અમારી સંસ્થા રજિસ્ટર છે અને કોઈપણ સભ્ય પાસે ફી લેવામાં આવતી નથી.
ગૃહિણીએ શીખ્યું ઢોલવાદન : આ ગ્રુપની મહિલા સભ્ય દીપશ્રી કદમે જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી જોડાયેલી છું. મારું આર્ટ એક્ટિવિટી સેન્ટર છે. અમે નાના હતા ત્યારથી જ મુંબઈ અને પૂણે વિસ્તારમાં આવી રીતે ઢોલ વગાડતા લોકોને જોયા હતા. આવાં ગૃપને ગ્રુપને અમે ફોલો કરતા હતાં.
હવે સુરતમાં પણ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે અને તેનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. મુંબઈ પૂણેમાં આવી રીતે ગ્રુપમાં યુવતીઓ વધારે જોવા મળે છે આ જ કલ્ચર હવે સુરતમાં પણ જોવા મળે છે. હૂં પોતે પરણિત છું અને મારું ચાર વર્ષનું બાળક છે. હું ઘરનું રેગ્યુલર સેટિંગ કરીને સમય ફાળવીને પ્રેક્ટિસમાં આવું છું. અમે ઢોલ વગાડતા વગાડતા એકથી બે કિલોમીટર સુધી ચાલતા પણ હોઈએ છીએ. અમારા હાથમાં જે ઢોલ છે તે 14 કિલોનું છે તેને સાથે લઈને અમે ચાલીએ છીએ. ઢોલ લઈને ચાલવું અને વગાડવું એ ખૂબ જ સારો અનુભવ છે...દીપશ્રી કદમ({ઢોલવાદન અભ્યાસુ)
આ કલ્ચર અમે પહેલાં ન્યૂઝમાં જ જોતા : ગ્રુપની અન્ય મહિલા સભ્ય વર્ષા મગરેએ જણાવ્યું હતું કે હું હોમ ટ્યુશન્સ કરું છું. જ્યારથી ગ્રુપની સ્થાપના થઈ છે વર્ષ 2018થી હું આ ગ્રુપ સાથે જોડાયેલી છું. જયારે ગણપતિ ઉત્સવ હોય તેના ત્રણથી ચાર મહિના પહેલા અમે પ્રેક્ટિસની શરૂઆત કરી દેતા હોઈએ છીએ. શનિવારે અમે ઢોલનું મેન્ટેનન્સ કરીએ છીએ અને રવિવારે પ્રેક્ટિસ કરીએ છીએ. અમે ગણેશોત્સવના આગમનમાં આ ઢોલને વગાડીએ ત્યારે ઉત્સાહ જ અલગ હોય છે. આ કલ્ચર અમે પહેલાં ન્યૂઝમાં જ જોતા હતાં. મને આ મુશ્કેલ લાગતું નથી, કારણ કે જ્યારે અમે પ્રેક્ટિસ કરીએ દરેક વસ્તુઓ સહેલી થતી. અમે છેલ્લા છ વર્ષથી વાદન કરીએ છીએ.