સુરત: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે સી.આર.પાટીલે કહ્યું હતું કે, પીએમ અને સીએમ દ્વારા આ અંગે ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. દોષિતો સામે કડક પગલાં ભરવામાં આવશે. મૃતકોને જે પણ આર્થિક સહાય આપવામાં આવી છે તે ઘટના સામે ઓછી છે. મૃતકોના પરિવાર સાથે પણ સંવેદના છે, પરંતુ જે પણ તપાસ છે તે ત્રણ દિવસમાં પૂર્ણ થશે અને જે પણ દોષી હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરતની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ? મેયર સાથે જાણકારી એકત્ર કરવામાં આવશે. તક્ષશિલા ઘટના બાદ શહેરભરમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. તેમ છતાં જો કોઈ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો અભાવ હશે, તો તમામ હોસ્પિટલને તકેદારીના ભાગરૂપે તત્કાલ અસરથી ફાયર સેફ્ટીના સાધનો લગાડવા સુચના આપવામાં આવશે.