સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે રખડતા શ્વાનઓએ મીલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં સુતેલા 4 વર્ષના બાળક પર હુમલો કરતાં બાળકને ગંભીર ઇજા થવાથી મોત નીપજયું હતું. ઘટના થતા વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાય ગયો છે. પલસાણા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મિલ કમ્પાઉન્ડમાં ખુલ્લામાં રહેતો હતો પરિવાર : સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકાના મગરદા ગામના રહેવાસી અશોક કુકા મચ્છાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે આવેલી કેજરીવાલ મિલમાં મજૂરી કામ કરે છે અને પરિવાર સાથે મિલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં જ રહે છે. તેમનો ચાર વર્ષનો દીકરો પણ તેમની સાથે જ રહે છે.
બાળક બાથરુમ માટે ઉભો થતા જ શ્વાનઓ કર્યો હુમલો : રાત્રિના સમયે પરિવાર મિલમાં સૂતો હતો ત્યારે મધરાત બાદ એકાદ વાગ્યે આશીર્વાદ બાથરુમ જવા માટે ઉભો થતા જ તેને ચાર શ્વાનોએ ઘેરી લઈ બચકાં ભર્યા હતા.શ્વાનો તેને ખેંચીને દૂર લઈ ગયા હતા. દીકરાની બૂમ સાંભળી તેના માતાપિતા દોડી ગયા હતા અને શ્વાનથી દીકરાને છોડાવ્યો હતો. શ્વાનો શરીરમાં અનેક જગ્યાએ બચકાં ભરતા બાળકને ગંભીર ઇજા થઇ હતી.
હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો : બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલીની સરદાર સ્મારક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ પણ સ્થળ પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પરિવાર રાજસ્થાન જવા રવાના : પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. મૂળ રાજસ્થાનના હોવાથી પરિવાર મૃતદેહ લઈને વતન જવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. કેજરીવાલ મિલમાં કામ કરતા આ શ્રમિક પરિવારને રહેવાની યોગ્ય જગ્યા ન હોય કમ્પાઉન્ડમાં બહાર જ સૂવું પડતું હતું. જેને કારણે પરિવારે દીકરો ગુમાવવાનો વારો આવ્યો હતો.
શરીર પર અનેક બચકાં થયું મોત : બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. કનુભાઈએ જણાવ્યું હતું કે, રાત્રીના સમયે બાળકને ચાર કુતરાઓ હુમલો કરતા ગંભીર હાલતમાં લાવવામાં આવ્યું હતું. ગાળા અને શરીરના ભાગે ઇજા થઇ હોય બાળકનું મોત નીપજ્યું હતું. કુતરાઓ શરીર પર અનેક બચકા ભર્યા હતા.