સુરત : સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા શ્વાનનો આતંક વધી ગયો છે. જાન્યુઆરી માસની વાત કરવામાં આવે તો સરકારી હોસ્પિટલમાં ડોગ બાઈટના 1906 જેટલા કેસ નોંધાયા હતા. સરકારી આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 45 લાખનો ખર્ચ ખસીકરણ પાછળ મનપાએ કર્યા છે. તેમ છતાં હાલ શહેરમાં 80,000 રખડતા શ્વાન જોવા મળે છે. શ્વાનના હુમલાના કારણે સુરત જિલ્લાના એક બાળકનું મોત નીપજ્યું હતું. સુરત શહેરની એક બાળકીને પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી.
જાન્યુઆરીમાં કૂતરા કરડવાના 1906 કેસ : સુરત શહેર અને જિલ્લામાં રખડતા શ્વાન દ્વારા કરવામાં આવી રહેલા હુમલાના કારણે સ્થાનિકોમાં દહેશતનો માહોલ છે. રખડતા શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. ડોગ બાઈટના કેસોમાં વધારો થયો છે. સુરતના નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ જાન્યુઆરી 2023 માં ડોગ બાઈટના 1205 જેટલા કેસો સામે આવ્યા હતાં. જ્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 701 કેસ જાન્યુઆરી માસમાં નોંધાયા હતા.
આ પણ વાંચો Stray Dog Attack: રખડતા શ્વાને 7 વર્ષની બાળકી પર કર્યો હુમલો, સ્થાનિકો વચ્ચે ન આવ્યા હોય તો..
દરરોજે 150 જેટલા કેસ :જોકે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ અનેક કેસો નોંધાયા હશે. એક અનુમાન મુજબ સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને દરરોજે 150 જેટલા કેસ ડોગબાઇટના સુરતમાં બનતા હોય છે. વર્ષ 2021 માં ન્યુ સિવિલ હોસ્પિટલમાં 8,249 જ્યારે સ્મીમેરમાં 5,431 કેસો નોંધાયા હતા. જ્યારે વર્ષ 2022માં ન્યુ સિવિલ હોસ્પિટલમાં 6,810 અને સ્મીમેર હોસ્પિટલમાં 5,298 ડોગ બાઈટના કેસો નોંધાયા હતા.
પાંચથી છ હજારની કિંમતના ઇમ્યુનોગ્લોબ્યુલીન નામના છ ઇન્જેક્શન : સુરત શહેરમાં સતત વધી રહેલા ડોગના કેસોને ધ્યાનમાં રાખી સરકારી હોસ્પિટલમાં વેક્સિનની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં ડોગબાઈટના કેસો 50 થી 60 જેટલા નોંધાય છે. પરંતુ ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે કેસમાં વધારો થઈ જાય છે. ડોગ બાઈટના ગંભીર પ્રકારના કેસમાં સિવિલ જેવી સરકારી હોસ્પિટલમાં પાંચથી છ હજારની કિંમતના ઇમ્યુનોગ્લોબ્યુલીન નામના છ ઇન્જેક્શન વિના મૂલ્ય આપવામાં આવતા હોય છે. જો પીડિત સમયસર સારવાર નહીં કરાવે તો વ્યક્તિ હાઇડ્રો અને ફોટો ફોબિયાનો પણ શિકાર બની જાય છે.
આ પણ વાંચો Stray Dog Killed Child : પલસાણાના કારેલીમાં રખડતા શ્વાનોએ 4 વર્ષના બાળકને ફાડી ખાધો
શ્વાન ખસીકરણ પર એસએમસીનો ખર્ચ સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 37 હજાર કુતરાઓનું ખશીકરણ કરાયું છે. પરંતુ તેમની સંખ્યા સતત વધી રહી છે અને ખસીકરણની કામગીરી પાછળ પાંચ વર્ષમાં મનપાએ 45 લાખનો ખર્ચ પણ કર્યો છે. આ વર્ષે દસ હજાર શ્વાનને ખસીકરણ કરવાનું લક્ષ્ય છે.
અમુક સમયે શ્વાન હુમલાખોર બની જાય છે : અમુક ઋતુ અને ચોક્કસ સમય દરમિયાન ડોગ બાઈટના કેસો વધતા મળે છે. વર્ચસ્વની લડાઈ દરમિયાન તેઓના રસ્તામાં આવવાથી, પુખ્તવયને કારણે થનાર હોર્મોન્સમાં આવતા ફેરફાર, માદા શ્વાનની ૠતુકાળ કે ગર્ભકાળની શરૂઆત અથવા તો અપૂરતા અયોગ્ય ગંદા ખોરાક પાણી બિસ્કીટ તથા કાચા દૂધથી શરીરમાં સુગરનું પ્રમાણ વધતાં સહિતના જુદા જુદા કારણોનો સમાવેશ થાય છે.
એક બાળકીની પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી : સુરતના વરાછા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર ગાલ પર શ્વાને બચકું ભરી લીધું હતું. પાંચ વર્ષની બાળકી પોતાના મામા સાથે વરાછા વિસ્તારમાં રહે છે. માતા ઓનલાઈન ટ્રેડિંગમાં કામ કરે છે. બાળકી સાથે થયેલી આ દુઃખદ ઘટના બાદ પરિવાર ભયભીત હતો. બાળકીના મામા મયુરભાઈ તનાએ જણાવ્યું હતું કે, બાળકીની પ્લાસ્ટિક સર્જરી કરાવી પડી હતી. અડાજણ ખાતે આવેલા એક પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી અમે કરાવી હતી. જેનો ખર્ચ 70,000 થી 80,000 સુધીનો આવ્યો છે. તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે મેયર ફંડમાંથી તેમને રાહત આપવામાં આવશે. હાલ બાળકીએ શાળા જવાની શરૂઆત કરી છે. તે નર્સરીમાં ભણે છે.
શ્વાનના હુમલામાં ચાર વર્ષના બાળકનું મોત :સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે રખડતા શ્વાનઓએ મીલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં સુતેલા 4 વર્ષના બાળક પર હુમલો કરતાં બાળકને ગંભીર ઇજા થવાથી મોત નીપજયું હતું. ઘટના થતા વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. પલસાણા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.