સુરતઃ દેશ માટે સેવા આપનારા ભારતીય સેનામાં ફરજ બજાવનારાં યુગલ કમાન્ડો સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાયા છે. ધામધૂમથી લગ્ન કરવાની જગ્યાએ આ યુગલ કમાન્ડોએ દેશના યુવાનોને અનોખો સંદેશ આપ્યો છે. લગ્ન પ્રવૃત્તિના માધ્યમથી સામાજિક જાગૃતિનું કામ કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી 64મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. તેમાં 88 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. તો આ સમૂહલગ્નમાં એથ્લેટિક્સ શ્રદ્ધા કથીરિયાને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
આ પણ વાંચો કળિયુગમાં પ્રામાણિકતા, હેર સલુનના કર્મચારીએ દાગીનાનું પાકીટ માલિકને કર્યું પરત
બિનજરૂરી ખર્ચને ધ્યાનમાં રાખી સમૂહ લગ્નમાં લગ્ન કર્યાઃ સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાયેલ યુગલ કમાન્ડો પણ છે. નયના ધાનાણી રાષ્ટ્ર માટે એન.એસ.જી. કમાન્ડો છે અને દિલ્હી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. જ્યારે નિકુંજ અજુડિયા આર્મીમા પેરા કમાન્ડો છે અને હાલ જમ્મુ કાશ્મીર ઉધમપુરમાં તહેનાત છે. લગ્નમાં બિનજરૂરિયાત ખર્ચને ધ્યાનમાં રાખી આ યુગલ કમાન્ડોએ સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડાવાનો નિર્ણય કર્યો હતો.
સમાજ તરફથી 5 લાખનો ચેક અપાયોઃ આ કમાન્ડો યુગલને દાતાઓના સહયોગથી 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે રાષ્ટ્ર માટે જાનની જોખમે કઠોર કામ કરનારાં દંપતીને સુખી દાંપત્યજીવન માટે 5 લાખ રૂપિયાનો ચેક સમાજની ગંગાસ્વરૂપ બહેનોના હાથે આપવામાં આવ્યો હતો.
દિકરીને કરિયાવરમાં બેન્ક એફડીની રસીદઃ સમૂહલગ્ન સમારોહના યજમાન જયંતી એકલારાવાળાએ દરેક કન્યાને કરિયાવર તથા વ્યવસ્થા સૌજન્ય પૂરું પાડ્યું છે, પરંતુ કન્યાના જાગૃત પિતાએ સમૂહલગ્નમાં સાદાઈથી લગ્ન કરીને બચતમાંથી દિકરીને કરિયાવરમાં બેન્ક એફ. ડી.ની રસીદ આપી હતી. જ્યારે લગ્નમંડપ 4માં લગ્નગ્રંથિથી જોડાનારાં ચિ. અક્ષિતાને તેમના પિતા રમેશ માંગુકિયાએ 50,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તથા લગ્નમંડપ- 81માં લગ્ન થયા તે કન્યા ચિ. અરૂણાને તેમના પિતા ગોરધન હીરપરાએ 1,00,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ આપી છે. તે સમજદાર પિતાનું સમાજના અગ્રણીઓએ સન્માન કરી અન્યને દાખલો લેવા અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો જામનગર બ્રાસ એસો.સંચાલિત મેટાલેબ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ
મહિલા ખેલાડીઓનું અભિવાદનઃ રમતગમત ક્ષેત્રે ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરનારાં મહિલા ખેલાડીઓનું અભિવાદન કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. સાથે જ એથ્લેટિક્સ દોડમાં રાષ્ટ્રીય ચેમ્પિયન શ્રદ્ધા કથીરિયા હાલ ઓલમ્પિકસ ગેમ્સ 2024 માટેની તૈયારી કરી રહી છે. સૌરાષ્ટ્રમાં કાલાવડ નજીકની વિભાણિયા ગામના ખેતમજૂરની દિકરીને તાલીમ તથા સારા ખોરાક અને રહેવા માટે આર્થિક મદદની જરૂર હતી. સમાજના દાતાઓના સહયોગથી શ્રદ્ધા કથીરિયાને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી ઓલમ્પિકસ ગેમ્સમા ભારતને ગોલ્ડ મેડલ અપાવવા સમાજે શુભેચ્છા પાઠવી હતી.
અન્ય ખેલાડીઓને કરાયાં સન્માનિતઃ આ જ રીતે લાંબી કૂદમાં ગોલ્ડમેડલ સાથે જૂનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન કુમકુમ રામાણી તથા ઈન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ખેલાડી વૈશાલી નિલેશભાઈ પટેલને પણ જયંતિભાઈ બાબરિયાના સહયોગથી રૂપિયા 1-1 લાખ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.