સુરત: છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ ગંભીર દર્દીઓ માટે ઉપયોગી થનાર બે ઇન્જેક્શનની ભારે અછત છે. આ ઈન્જેકશનનો સ્ટોક ઓછો થતાં કોરોના પોઝિટિવ દર્દીઓના પરિવારજનો ટોસિલિઝૂમેંબ અને રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. તેમજ દર્દીઓના પરિવારજનો મુંબઈ અથવા અન્ય સ્થળો જઈ આ ઈન્જેક્શન ખરીદવા માટે મજબૂર થયા છે.
આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આ ઇન્જેક્શન અતિગંભીર અવસ્થાના કોરોના પોઝિટિવ દર્દીઓને આપવામાં આવે છે. પરંતુ અનેક જગ્યાએ સામાન્ય અવસ્થાના દર્દીઓને પણ આ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે જિલ્લામાં ઈન્જેક્શનની અછત સર્જાઈ હતી. પરંતુ હવે પરિસ્થિતી કાબૂમાં છે અને હાલ તેની અછત નથી.
એક બાજુ સુરતના મ્યુનિસિપલ કમિશનર જણાવી રહ્યા છે કે, શહેરમાં ઇન્જેક્શનની અછત નથી, ત્યારે બીજી બાજુ રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ઇન્જેક્શનનો સ્ટોક સુરત માટે મોકલી દેવામાં આવ્યો છે. આમ, આ બંનેના વિરોધાભાસી નિવેદન વચ્ચે એક દિવસ અગાઉ જ નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા ઇન્જેક્શનની અછતને લઈ આરોગ્ય કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો.
આ પરિસ્થિતિને જોતા સ્પષ્ટ થાય છે કે, જિલ્લા અધિકારીઓ પોતાની બેદરાકારી છૂપાવીને લોક સમસ્યાને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. એક તરફ અધિકારીઓ પોતાના જવાબદારીમાંથી પીછેહઠ કરી રહ્યાં છે. તો બીજી તરફ નગરજનોએ દવા અને ઈન્જેક્શનની અછત સામે ઝંઝૂમી રહ્યાં છે, ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે, ખરેખર સુરતવાસીઓ પાસે ઈન્જેક્શ પહોંચશે??? કે પછી અધિકારીઓ જિલ્લાની વાસ્તવિકતાથી મોં ફેરવીને આમ જ હવામાં ગોળીબાર કરતાં રહેશે...