તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ સજાગ થયું છે. ફાયર સેફટીની અપૂરતી સુવિધાવાળા મોલ, શોપિંગ અને કોમ્પ્લેક્ષ સામે ફાયર વિભાગે લાલ આંખ કરી છે. જ્યાં સુરત ફાયર વિભાગે ઉધનાને પુણાગામ વિસ્તારમાં આવેલા મોલ સહિત કોમ્પ્લેક્ષને સંપૂર્ણ સીલ કર્યા છે.
પુણાગામમાં આવેલા પોલારિસ શોપિંગ મોલની આશરે 400 જેટલી દુકાનો, ઑફિસો સહિત હોસ્પિટલને ફાયર વિભાગે સીલ કર્યું છે. બે- બે વખત નોટિસ પાઠવવા છતાં શોપિંગ મોલના સંચાલકો અને દુકાનો માલિકો દ્વારા ફાયર સેફટી ઉભી કરવામાં આવી ન હતી.
આ સિવાય ઉધના વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની 75 જેટલી દુકાનો સહિત વર્ધમાન હોસ્પિટલને પણ સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે.
જ્યાં સુધી ફાયરની પૂરતી સુવિધા ઉભી ના કરવામાં આવે ત્યાં સુધી સીલ ખુલશે નહીં. જો સીલ ખોલવાનો પ્રયાસ કરાશે તો કસુરવારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ફાયર વિભાગે ઉચ્ચારી છે. ફાયર વિભાગના સપાટાને લઈ અન્ય કોમ્પ્લેક્ષ સહિત શોપિંગ મોલન સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.