સુરત : નેપાળથી ચરસનો મસમોટો જથ્થો વાયા મહારાષ્ટ્રના પુણેથી સુરત ડિલિવરી માટે લાવતા બે લોકોની સારોલી પોલીસે ધરપકડ કરી છે. આેરોપીઓ સારોલી ચેકપોસ્ટ પર પહોંચ્યા ત્યારે સારોલી પોલીસે આઠ કિલો ચરસ સાથે તેમની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ચરસની હેરાફેરી કરી રહ્યા હતા. તેઓ પૂણેથી સુરત ચરસની ડિલિવરી કરવા માટે આવ્યા હતા. સંદીપ નામના વ્યક્તિએ આરોપીઓને ચરસની ડિલિવરી કરવાનું જણાવ્યું હતું.
લાખોની કિંમતનો ચરસ : આ મામલે મળતી માહિતી અનુસાર સારોલી પોલીસને બાતમી મળી હતી કે, બે લોકો સુરત શહેરના સારોલી ચેકપોસ્ટ નજીક ચરસ ડિલિવરી કરવા માટે આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી ડિલિવરી કરવા આવનાર મૂળ નેપાળના બે વ્યક્તિની ધરપકડ કરી હતી. બંને આરોપીની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ પાસેથી આઠ કિલોથી પણ વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ચરસનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રુ. 11.19 લાખનો મુદ્દામાલ સારોલી પોલીસે કબજે કર્યો છે.
આરોપીઓ મૂળ નેપાળના વતની છે. તેઓ નેપાળના અલગ અલગ વિસ્તારમાંથી ચરસનો જથ્થો એકત્ર કરી મહારાષ્ટ્ર જતા હતા. ત્યાંથી પુણેના સંદીપ નામના વ્યક્તિ દ્વારા તેમને જ્યાં સપ્લાય કરવાનું જણાવવામાં આવતું, તેઓ ત્યાં જઈને સપ્લાય કરતા હતા. આ જથ્થો તેઓ કોને આપવાના હતા તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. -- પી. કે. પટેલ (ACP, સુરત)
બે નેપાળી આરોપી ઝડપાયા : પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર બંને આરોપીઓ મૂળ નેપાળના વતની છે. આરોપી અવરોધ ધર્તી અને બોમલાલ ધર્તી પાસેથી સારોલી પોલીસે ચરસ અને નેપાળી ચલણી નોટો પણ કબજે કરી છે. બંને આરોપીની નેપાળ નાગરિકતાનું પ્રમાણપત્ર પણ પોલીસે કબજે કર્યું છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, નેપાલથી ચરસ મંગાવીને વાયા મહારાષ્ટ્રથી સુરત ડિલિવરી માટે કહેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના પુણે ખાતે રહેતા સંદીપ નામના ઈસમે આ ચરસ સપ્લાય કરવા માટે કહ્યું હતું.
ક્યાંથી આવ્યું ચરસ ? આ મામલે સુરત ACP પી. કે. પટેલે જણાવ્યું હતું કે, આરોપીઓ મૂળ નેપાળના વતની છે. પુણેના સંદીપ નામના ઇસમે તેમને આ ચરસ ડિલિવરી કરવા માટે જણાવ્યું હતું. તેઓ સતત સંદીપ નામના વ્યક્તિ સાથે ટેલિફોનિક સંપર્કમાં હતા. તેઓ સુરત આવીને બસ બદલી સારોલી ચેકપોસ્ટ પહોંચ્યા હતા. તે દરમિયાન પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેઓ નેપાળના અલગ અલગ વિસ્તારમાંથી ચરસનો જથ્થો એકત્ર કરી મહારાષ્ટ્ર જતા હતા. ત્યાંથી સંદીપ નામના વ્યક્તિ દ્વારા તેમને જ્યાં સપ્લાય કરવાનું જણાવવામાં આવતું, તેઓ ત્યાં જઈને સપ્લાય કરતા હતા. આ જથ્થો તેઓ કોને આપવાના હતા તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.