સુરત : તમિલનાડુના મુખ્યપ્રધાનના પુત્રએ સનાતન ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. ત્યારબાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સુરતમાં એક કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય કૃષિ અને પશુપાલન પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ સનાતન ધર્મ પર નિશાન સાધનારાઓ પર નિવેદન આપ્યું હતું.
રાવણના વંશજો સાથે સરખામણી કરાઇ : પુરુષોતમ રુપાલાએ સનાતન ધર્મ પર પ્રહાર કરનારા લોકોની સરખામણી રાવણના વંશજો સાથે કરી છે. તેમણે કહ્યું કે, સનાતન સંસ્કૃતિ પર આ હુમલો રાવણના સમયથી થઈ રહ્યો છે અને અત્યારે પણ જોવા મળી રહ્યો છે. જે રીતે રામનું વંશ આ જ સુધી છે તેમ રાવણનું વંશ ચાલુ રહેશે. સનાતન શબ્દનો અર્થ એ છે કે જે હંમેશા રહે છે, જેનો ન તો અંત છે કે ન તો શરૂઆત. તેને જ સનાતન કહેવામાં આવે છે. સનાતન ધર્મ વિશે કોઈ પણ પ્રકારની વાતો કરીને તેને નષ્ટ કરવાનો કોઈએ વિચાર ન કરવો જોઈએ, આવા લોકો ફક્ત પોતાને જ નુકસાન પહોંચાડે છે.
સનાતન ધર્મ વિશેની સમજ આપી : તેમણે વધુમાં જણાવ્યું કે, આ રાષ્ટ્રનું ગૌરવ છે, વિશ્વ કલ્યાણનો કોઈ માર્ગ હોય તો તે સનાતન ધર્મ દ્વારા જ છે. વિશ્વ કલ્યાણનો કોઈ માર્ગ હોય તો તે સનાતન ધર્મનો જ છે. સમગ્ર વિશ્વમાં લોકો સનાતનને સ્વીકારી રહ્યા છે. આજે વિશ્વ યોગને સ્વીકારી રહ્યું છે અને આયુર્વેદ અપનાવી રહ્યું છે. હતાશા અને નિરાશાના કારણે લોકો આવા નિવેદનો આપી રહ્યા છે. દેશે આવા લોકોથી બચવું જોઈએ અને આ લોકોએ આવી હરકતોથી દૂર રહેવું જોઈએ.