સુરતની માઈક્રો કેર લેબોરેટરીમાં એક એવો આવિષ્કાર થયો છે જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. આ આવિષ્કાર દેશભરના ટીબીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની જશે. સુરતના ડૉક્ટર ધનજી રાજાણીએ એક એવી શોધ કરી છે જેના માધ્યમથી માત્ર પાંચ મિનિટમાં ખબર પડી જશે કે દર્દીને ટીબી છે કે નહીં. દેશભરમાં ટીબીનો રોગ હંમેશાથી ચિંતાનો વિષય બની રહ્યો છે. ક્યારેક તે જીવલેણ પણ બની જતો હોય છે. કારણકે સમયસર તેનો ડાયગનોઝ થતો નથી અને કફ તેમજ એક્સરેના માધ્યમથી આ રોગને ઓળખી શકાય છે. પરંતુ એઈડ્સના દર્દી અથવા તો બાળકોને સહેલાઇથી કફ નીકળતો નથી જેથી આ રોગની ઓળખવામાં મુશ્કેલી પડે છે. પરંતુ ડૉક્ટર ધનજી રાજાણીએ જે શોધ કરી છે તેના માધ્યમથી હવે ગણતરીના મિનિટોમાં યુરિન કે બ્લડ સેમ્પલ થકી આ રોગની ઓળખ કરી શકાય છે. જે અન્ય દર્દીઓ સહિત બાળકો અને એચઆઈવી ગ્રસ્ત લોકો માટે વરદાનરૂપ સાબિત થશે.
બે વર્ષમાં તૈયાર કરાયેલા આ સંશોધનને વર્ષ 2015માં ભારત સરકાર પાસે પેટર્ન કરાવવા માટે મોકલાયા હતા. 2019 જુલાઈ માસમાં ભારત સરકારે આ અનોખા સંશોધનને 20 વર્ષ સુધી પેટર્ન કરી દીધું છે.