સુરત : ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ડ્રગ્સરૂપી રાવણનું દહન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યભરમાં ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. લોકો ડ્રગ્સના દૂષણને સમજી શકે અને તેનાથી દૂર રહી શકે તે માટે સુરત પોલીસ અને આદર્શ રામ લીલા ટ્રસ્ટ દ્વારા આ અનોખી પહેલ કરી હતી.
સુરત પોલીસની પહેલ : દશેરાનો તહેવાર એટલે અસત્ય પર સત્યની વિજય. વિજયાદશમી દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સુરત શહેરમાં પણ દશેરાના દિવસે વેસુ વિસ્તારમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આદર્શ રામલીલા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 20 હજારની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. દરેક વ્યક્તિ, પછી ભલે તે બાળકો હોય કે વૃદ્ધ, આ શુભ પ્રસંગે હાજર રહેવા અને અસત્ય પર સત્યની સાક્ષી બનવા માંગે છે.
આજે સુરત પોલીસે ડ્રગ્સ રૂપી રાવણનું દહન કર્યું છે. પશ્ચિમી દેશો અને અન્ય રાજ્યોની સરખામણીએ આપણું રાજ્ય સુરક્ષિત રાજ્ય છે. રાજ્યમાં ડ્રગ્સ સામેની જંગ શરૂ કરી છે તે જંગને પૂર્ણ કરીશું. -- હર્ષ સંઘવી (ગૃહ રાજ્યપ્રધાન)
ડ્રગરુપી રાવણનું દહન : 18 ફૂટના ડ્રગ્સના રાવણનું દહન ભગવાન રામે કર્યું હતું. લોકોને જાગૃત કરવા માટે ડ્રગ્સ રૂપી રાવણ પર અલગ-અલગ સ્લોગન લખવામાં આવ્યા હતા. આ ઉપરાંત 65 ફૂટ રાવણનું પણ એક પૂતળું બનાવવામાં આવ્યું હતું. મથુરાથી આવેલા મુસ્લિમ કારીગરો દ્વારા 45 દિવસની મહેનત બાદ આ રાવણ બનાવામાં આવ્યો હતો. રાવણ દહન સાથે 20 મિનિટ સુધી ફટાકડાની આતીશબાજી પણ કરવામાં આવી હતી.
ડ્રગ વિરોધી અભિયાન : ડ્રગ અંગે વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ પકડવાની મુહિમ શરૂ કરી છે. માત્ર ગુજરાત જ નહીં અનેક રાજ્યોમાં અન્ય એજન્સી સાથે ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતની એજન્સી રાત દિવસ ઠંડી, તડકો વરસાદ વેઠીને ડ્રગ્સ પકડી પાડે છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ એ કાનૂની નહીં આ સામાજિક લડાઈ છે. ડ્રગ્સ લેતા અને વેચતા કોઈપણ વ્યક્તિની માહિતી આપી અને તેમને જેલ ભેગા કરવા નથી ઇચ્છતા, પરંતુ અમે તેને સુધારવા ઇચ્છી રહ્યા છીએ. છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ બાબતે જે પોલીસને માહિતી મળી છે, તેવા યુવાનોની માહિતી તેમના માતા-પિતાએ આપી છે. તેનાથી તે યુવાનોનું જીવન બચ્યો છે.