સુરતનાં ગોડાદરા વિસ્તારમાં રહેતા અને પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ગેહરિલાલ ગોવર્ધન ખતીકનાં ઘરે ત્રણ દિવસ અગાઉ ઓટો રીક્ષામાં ત્રણ કિન્નરો દાપૂ માંગવા આવ્યા હતા. પોતાનાં ઘરે જન્મેલ બાળકને જન્મ લીધાને હજી તો ફક્ત ચાર દિવસ જેટલો સમય થયો હતો. કિન્નરો દાપૂ માંગવા આવ્યાં હતા. રૂપિયા 25 હજાર બળજબરીપૂર્વકની માંગણી કિન્નરો દ્વારા કરાતા આર્થિક રીતે નબળા ગોવર્ધન ભાઈએ 7 હજાર જેટલી રકમ આપી હતી. પરંતુ પોતાની માંગણી ન સંતોષાતા કિન્નરો દ્વારા ગોવર્ધન ભાઈ પર હુમલો કરી દેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જ્યાં ઇજાગ્રસ્ત હાલતમાં તેમણે સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં પોલીસે ત્રણ કિન્નરોની ધરપકડ પણ કરી હતી.જો કે ત્રણ દિવસની સારવાર બાદ ગોવર્ધન ભાઈનું હોસ્પિટલ ખાતે કરુણ મોત થયુ હતું. સમાજ અને પરિવારજનોએ લાશ સ્વીકારવાનો આજે ઇન્કાર કર્યો છે. તેઓની માંગ છે કે કસુરવાર કિન્નરો સામે કડકથી કડક પગલાં ભરવામાં આવે. કિન્નર સમાજ અને સરકાર દ્વારા મૃતકનાં પરિવારને આર્થિક સહાય પુરી પાડવામાં આવે અને આવી ઘટના ફરી ન બને તે માટે સરકાર કડક નિયમો લગાવે.