સુરત : જિલ્લાની કોલેજ દ્વારા સેમેસ્ટર પરીક્ષાની તારીખ જાહેર કરાતા NSUI દ્વારા તેનો વિરોધ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત પરીક્ષા મોકૂફ રાખવા અને ઓનલાઇન લેવાની માગ કરી હતી.
આ તકે NSUIના પ્રમુખે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ વચ્ચે કાપોદ્રાની ધારુકાવાળા કોલેજ તરફથી સેમેસ્ટર પરીક્ષાની તારીખ 25 જૂન નક્કી કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને જીવ સામે જોખમ ઉભું કરવા બરાબર છે. જેથી વિધાર્થીઓના હિતમાં નિર્ણય લઈ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ કરવામાં આવે અથવા તો ઓનલાઈન કરવામાં આવે તેવી માંગણી છે.
કોલેજના આ નિર્ણય સામે NSUI દ્વારા શાંતિપૂર્ણ રીતે માત્ર કોલેજના જીએસને સાથે રાખી પ્રતીક ધરણા યોજવામાં આવ્યા હતા. જ્યાં પરીક્ષાની નક્કી કરેલી તારીખ અંગે કોલેજ પ્રશાસન અને યુનિવર્સીટી યોગ્ય નિરાકરણ લઇ આવે તેવી રજૂઆત NSUIએ કરી હતી. અગાઉ પણ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.