- મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળથી યુવતીઓ લાવવામાં આવતી હતી
- પોલીસે બે આરોપીને ઝડપી મુખ્ય સૂત્રધાર ભગવાન બહેરાને વોન્ટેડ જાહેર કર્યો
- પોલીસે ડમી ગ્રાહક મોકલી દેહવિક્રયના વ્યવસાયનો પર્દાફાશ કર્યો
સુરત : કડોદરા GIDC પોલીસ દ્વારા તાતીથૈયામાં ગેરકાયદે ચાલતું કુટણખાનું ઝડપી લીધા હતું. પોલીસે સ્થળ પરથી 6 યુવતીઓને છોડાવી હતી. જ્યારે બે શખ્સોને ઝડપી લીધા મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે. રાજ્ય બહારથી યુવતીઓને લાવી તેમને રૂપિયાની લાલચે દેહવિક્રયનો વ્યવસાય કરાવવામાં આવતો હતો.
બાતમીના આધારે કરવામાં આવી કાર્યવાહી
કડોદરા GIDC પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પલસાણા તાલુકા કડોદરા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા તાતીથૈયા ગામમાં આવેલા પ્રથમ પાર્કમાં ભગવાન નામનો શખ્સ રાજ્ય બહારથી યુવતીઓ લાવી કુટણખાનું ચલાવે છે.
ગ્રાહકો પાસેથી 1 હજાર રૂપિયા વસુલવામાં આવતા હતા
ભગવાન પોતાના માણસો સાથે મળીને પ્રથમ પાર્કમાં આવેલા પ્રતીકભાઈની બિલ્ડિંગના ચોથા માળે આવેલા રૂમોમાં રાજ્ય બહારથી મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળથી યુવતીઓ લાવતો અને ગ્રાહકોને બોલાવી શરીર સુખ માણવાની સગવડ પૂરી પાડતો હતો. જેના બદલામાં ગ્રાહકો પાસેથી 1 હજાર રૂપિયા વસુલતો હતો.
પોલીસે 6 યુવતીઓને છોડાવી બે શખ્સોની અટક કરી
પોલીસને બાતમી મળતા જ ડમી ગ્રાહક મોકલીને રેડ કરવામાં આવી હતી. જ્યાં પોલીસને 6 યુવતીઓ મળી આવી હતી. જ્યારે બે શખ્સો પ્રથમ પાર્કમાં જ રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રિવા જિલ્લાના અમિત રામ રહીમ યાદવ અને મૂળ બિહારના નવાડા જિલ્લાના વિશાલ રામપ્રસાદ યાદવને સ્થળ પરથી ઝડપી લીધા હતા. પોલીસે કામરેજ ચાર રસ્તા ખાતે રહેતા મુખ્ય સૂત્રધાર ભગવાન બહેરાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
યુવતીઓને ગ્રાહકદીઠ માત્ર 500 રૂપિયા ચૂકવાતા
રૂમમાંથી મળી આવેલી યુવતીઓએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેમને ભગવાન બહેરાએ દેહવિક્રયના વ્યવસાય માટે બોલાવ્યા હતા અને ભગવાન જે ગ્રાહકો મોકલે તેની પાસેથી અમિત અને વિશાલ 1000 રૂપિયા લેતા હતા. જ્યારે ગ્રાહકદીઠ 500 રૂપિયા હિસાબ પેટે યુવતીઓને આપતો હતો.