સુરત: જિલ્લાના કામરેજ તાલુકાનાં ધોરણપારડી ગામ નજીક મુખ્ય હાઇવે ઉપ૨ ટ્રાફિક જમણા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે 66 કેવીનો મુખ્ય જીવંત વાયર તુટીને રોડ ઉપર પડતા ઘટનાનાં પગલે જીઇબી કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એક કલાક જેટલા સમય સુધી મુંબઇથી અમદાવાદનાં માર્ગ ઉપર ચક્કાજામ જેવી સ્થિતી સર્જાઈ હતી.
વિજ લાઇનનો કેબલ તૂટી પડતા મુશ્કેલી: વાવથી ગોથાણ આશરે 14 કિ.મી. લાંબી વિજ લાઇનનો કેબલ અમદાવાદથી મુંબઇ જતા મુખ્ય માર્ગ ઉપ૨ જ બ્રેક થઇ જતા સમયસુચક્તા વાપરી વાહન ચાલકોએ પોતાનાં કબ્જાનાં વાહનો હાઇવે ઉપર થોભાવી દીધા હતા. બનાવનાં સ્થળે પહોંચેલી જેટકોનાં અધિકારી સુત્રોની ટીમે હાઇવે ઉપર સર્જાયેલી વાયર સંબંધીત અફરા તફરીની સ્થિતી પૂર્વવત કરવા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી નીચે પડી ગયેલા કેબલને ફરીથી ટાવર ઉપર જોડી સ્થિતી પૂર્વવત કરી હતી.
'ઘટનાની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં જ ફરી લાઈનનું જોડાણ કરી દેવામાં આવ્યું હતું. કોણ જાનહાનિ થઈ ન હતી.' -ધર્મેશભાઈ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર, જેટકો
ટ્રાફિક જામના દ્રશ્યો: જોકે હાઇવે ઉપર વાહનોનો ખડકલો થઇ જઇ મુંબઇથી અમદાવાદ ટ્રેક ઉપર ટ્રાફિક જામની સ્થિતીનાં પગલે કામરેજ સહિત જીલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો બનાવનાં સ્થળે પહોંચી ગયો હતો. એકાદ કલાકની જહેમતનાં અંતે અધિકારી સુત્રોએ તુટી પડેલા વાયરનું સમારકામ કરી દેવામાં આવ્યુ હતુ. હાઇવે ઉપર લાંબા અંતરનાં વાહનો આકસ્મિક ઉભી થયેલી ઉપરોક્ત હાલાકીનાં ભોગ બની સ્થિતી નોર્મલ થવાની પ્રતિક્ષામાં વર્તાયા હતા. જોકે કોઇ માનવ સર્જીત દુર્ઘટનાનું નિર્માણ નહીં થતા અધિકારી સુત્રોએ રાહતનો દમ લીધો હતો.