પોરબંદર : પોરબંદરમાં ચોપાટી ખાતે જન્માષ્ટમી લોકમેળો યોજાય છે ત્યારે વર્ષોથી જન્માષ્ટમીના મેળામાં નાના પાથરણાંવાળા લોકો પોતાની રોજી રોટી કમાવવા મેળા 5 દિવસ પોતાનો નાનો ધંધો કરતા હોય છે. પરંતુ આ વર્ષે પોરબંદર-છાયા સંયુક્ત ન.પા દ્વારા કોઇ પણ જાણ વગર તે લોકોના ધંધા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. તેમને મેળામાંથી બહાર કાઢવા આ બાબતે આજે પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ પાથરણાંવાળાને લોકોને સાથે રાખી નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતાં અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ કરી હતી.
કોંગ્રેસે તાત્કાલિક નિવારણ કરવા માગ કરી : પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમી મેળામાં નાના ધંધાર્થીઓને મોટી મુશ્કેલી પડી રહી છે ત્યારે આ સમસ્યા તાત્કાલિક હલ કરવામાં આવે તેવી ઉગ્ર માગ કોંગ્રેસના આગેવાનોએ કરી હતી.
ગરીબ લોકો મેળામાં પેટિયું રળવા માટે આવતા હોય છે અને કમાવવા આવતા હોય છે. ત્યારે આ પ્રકારની હેરાનગતિ ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. ચીફ ઓફિસરને પત્ર લખી રજૂઆત કરી છે, તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા પણ માંગ કરી છે...ધર્મેશ પરમાર (કોંગ્રેસ આગેવાન)
શા માટે સર્જાયો વિવાદ : પોરબંદરમાં જન્માષ્ટમી મેળાની આજથી શરૂઆત થવાની છે, ત્યારે મેળો શરૂ થાય તે પહેલા જ મેળો વિવાદમાં આવ્યો છે, વર્ષોથી નાના પાથરણાંવાળા જ્યાં બેઠા હોય ત્યાંથી તેના પાસેથી પાલિકા દ્વારા બેસવાના રૂપિયા લઈ લેવામાં આવતાં. પરંતુ આ વર્ષે ડિજિટલ માપણી બાદ ભીડ ન થાય તે હેતુથી ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ નાના પાથરણાંવાળાને આ બાબતે કોઈ જાણ કરવામાં ન આવી હતી. 200થી પણ વધુ ધંધાર્થીને સામાન સાથે હટાવવામાં આવતા લોકોમાં રોષ ભભૂક્યો હતો. મેળામાં 5 દિવસ રોજી રોટી કમાવવા આવતા નાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા આજે કોંગ્રેસ આગેવાનો સાથે રાખી પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ચીફ ઓફિસરને વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે રજૂઆત કરી હતી.
ચીફ ઓફિસરે જવાબદારી ન હોવાનું જણાવ્યું : પોરબંદર છાયા નગરપાલિકા કચેરીએ જ્યારે નાના પાથરણાંવાળા ધંધાર્થીઓને રજૂઆત કરવા ગયા ત્યારે ચીફ ઓફિસર ગૌરવ પટેલે જણાવ્યું હતું કે પાથરણાંવાળાઓને માટે જગ્યા ફાળવવાનો નિર્ણય લોક મેળા આયોજન સમિતિ લઈ શકે. પોતે આ બાબતમાં કોઈ નિર્ણય લઈ શકે નહીં આથી લોકો વધુ રોષે ભરાયા હતાં. જોકે લોક મેળા આયોજન સમિતિના એક પણ સભ્ય કચેરી પર હાજર ન હતાં.