સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધારા ગામે વજન કાંટાના સંચાલક અને ખેડૂત સંજય દેસાઈની હત્યાના બે દિવસ બાદ જ ભેદ ઉકેલાયો હતો. હત્યામાં સંજયની પત્ની કૃપા દેસાઈએ પ્રેમી કાંતિ સિંગ સાથે મળી રાજસ્થાનથી બે શૂટરો મારફતે ગોળી મારી હત્યા કરાઈ હતી.
જે મામલે પત્ની કૃપા દેસાઈ, કાંતિ સિંગ રાજપુરોહિત હનુમાન સિંગ અને શ્રાવણ સિંગ નામના ચાર આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે. ત્યારે પોલીસ મુખ્ય સુત્રધાર હનુમાન સિંગને લઇ સંજય દેસાઈના ગામ નીકળી હતી. તેમજ હનુમાન સિંગ અને સાથી શૂટર પહાડસિંગ જે હાલ વોન્ટેડ છે. તેઓ બંને હત્યા પહેલા ઉનાઈ ખાતે આવેલા મહાકાલી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. તેમજ કાંતિ સિંગને કઈ રીતે મળ્યા એ તમામ જગ્યાએ પોલીસ હનુમાન સિંગને લઇને ગઈ હતી. આ ઘટના અંગે વધુ પુરાવાઓ એકત્રિત કરવા પ્રયાસ કરાયા હતા. જો કે આરોપી હનુમાન સિંગને પોલીસ વિવિધ જગ્યાએ લઇને જતા સ્થાનિક ગ્રામજનોનું પણ મોટું ટોળું જોવા મળ્યું હતું.