સુરત: રામ રાખે તેને કોણ ચાખે આ વાત ફરી એકવાર ત્યારે સાચી પડી છે. જ્યારે સુરત પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ જવાને પોતાના જીવની પરવા કર્યા વગર જીવના જોખમે તાપી નદીના પાણીમાં કુદકો મારી એક મહિલા અને કિશોરીને મોતના મુખમાંથી ઉગારી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
મળતી માહિતી અનુસાર સુરત પોલીસ મથકમાં ફરજ બજાવતા રામસિંહભાઈ રબારી સવારના નવ વાગ્યાના અરસામાં પોતાની નાઈટ ડ્યુટી પુરી કરી રાંદેરના કોઝવે રોડથી મોટર સાયકલ પર પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન લોકોનું ટોળું જોતા તેમને મોટર સાયકલ રોડની બાજુએ લગાવી જોવા માટે ગયા હતા. તાપીના કોઝવેમાં એક મહિલા અને 10 વર્ષની કિશોરી પાણીમાં ડૂબી રહ્યા હતા. જે કારણે લોકો પણ રાદોરાડ પાડી રહ્યા હતા. જો કે, પોલીસ જવાન રામસિંહ રબારીએ પોતાના જીવની પરવા કર્યા વિના જ ખાખી યુનિફોર્મ પર કોઝવેના પાણીમાં કુદી ગયો હતો. સૌપ્રથમ દસ વર્ષની જયશ્રી નામની કિશોરી અને બાદમાં 30 વર્ષીય રીટાબેન નામની મહિલાને મોતના મૂખમાંથી બહાર કાઢી લીધી હતી.
આ ઘટનાની જાણ 108ને જાણ કરવામાં આવી હતી. મહિલા અને કિશોરીને બહાર કાઢી પીઠ થપથપાવી પાણી બહાર કાઢ્યું હતું. બેભાન થયેલી કિશોરી અને મહિલા બાદમાં હોશમાં આવતા પોલીસ જવાનનો આભાર માન્યો હતો. જો કે, સ્થળ પર જ મહિલા અને કિશોરીને 108 દ્વારા સારવાર આપતા તબિયતમાં સુધારા આવ્યો હતો.
પોલીસ હંમેશા કોઇને કોઇ કારણોસર ક્યાં વિવાદમાં, તો ક્યાંક પ્રજાના રોષનો ભોગ બનતી હોય છે. સુરતમાં જોવા મળેલા આ દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. સુરત પોલીસના આ જવાને કોઝવે પાણીમાં પોતાનો જીવ જોખમમાં મુકી બે જીવોને મોતના મુખમાંથી ઉગારી લીધા છે. પોલીસ જવાનની આ કામગીરીને લોકો સરાહનીય અને પ્રશંસનીય ગણાવી રહ્યાં છે.
રામસિંહ રબારીની આ પ્રશંસનીય અને પ્રેરણાદાયક કામ કરવા બદલ સુરત પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટે તેમનુ સન્માન કરી પ્રશસ્તિ પત્રક એનાયત કર્યું છે અને 1000 રૂપિયાનો પુરસ્કાર ભેટ કર્યો છે, એટલુજ નહી સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ કે, તેમના આ કાર્યના કારણે તેમણે પોલીસ ડિપાર્ટમેન્ટની ઈજ્જત પણ વધારી છે. લોકોમાં પોલીસ પ્રત્યેની ઈજ્જતમાં પણ વધારો કર્યો છે એટલા માટે તેમને રક્ષા કવચ પુરસ્કાર માટે રાજ્ય સરકાર પાસે ભલામણ કરશે.