સુરતઃ જિલ્લા LCB પોલીસની ટીમે કડોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા ટેમ્પો ટ્રાવેલર સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે રૂપિયા 2.11 લાખના વિદેશી દારૂ સાથે કુલ 7.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શુક્રવારના રોજ બારડોલી અને કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તાતીથૈયા ખાતે પહોંચતા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેર ખાતે રહેતો રાજુ સોનીએ એક ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસીક જિલ્લાના દેવડાથી ભરાવી તેના ચાલક મારફતે સાપુતારા, વાંસદા, અનાવલ, મહુવા અને કડોદરા થઈ અંકલેશ્વર તરફ જવાનો છે.
જે બાતમીના આધારે પોલીસે કડોદરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન થોડીવારમાં ટેમ્પો આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ટેમ્પોના સીટ નીચે તેમજ બંને તરફ બોડીના ભાગે ચોરખાના મળી આવ્યા હતા. જેમાં વિદેશી દારૂ સંતાડેલો હતો.
પોલીસે ચાલક ઇન્દારામ મેઘવાલની ધરપકડ કરી હતી. પોલીસે ટેમ્પોમાંથી 576 બોટલ વિદેશી દારૂ કિમત રૂપિયા 2 લાખ 11 હજાર 200, ટેમ્પોની કિંમત રૂપિયા 3 લાખ, એક મોબાઇલ ફોન કિમત રૂપિયા 500 અને રોકડા રૂપિયા 3500 મળી કુલ 7 લાખ 15 હજાર 200નો મુદ્દામાલ કબજે લીધો હતો.