સુરતઃ લોકપ્રિય નાટ્યકાર યઝદી કરંજિયાને ભારત સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ‘પદ્મશ્રી’ના ઈલ્કાબથી નવાજ્યા છે. દેશનું આ ચોથા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે. જે તેઓ તે રાષ્ટ્રપતિના હસ્તે સ્વીકારશે.
યઝદીએ પારસી નાટકો દ્વારા સમાજસેવા કરી છે. તેઓએ આજીવન ‘યઝદી કરંજિયા ગ્રુપ’ દ્વારા 60થી વધુ વર્ષો હાસ્ય નાટકો કર્યા છે. જેની રજૂઆત સુરત, ગુજરાત, દેશ અને દુનિયાના અનેક ભાગોમાંથી કરી હતી. તેમનો પરિવાર નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયું છે. જે પોતાના નાટકો દ્વારા એકઠી થયેલી રકમને સમાજ સેવા માટે ઉપયોગ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ 3 કરોડથી પણ વધારે સેવા કરી છે. તેમના નાટ્ય ગૃરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા સાથે તેઓએ ‘તાપીતટે તાપીદાસ’ નામની 300થી વધુ હપ્તાવાળી હાસ્ય શ્રેણી આકાશવાણી પર રજૂ કરી હતી. તેનું તેઓએ પુસ્તક પણ બનાવ્યું છે.
યઝદી કરંજિયા, પત્ની વીરા કરંજિયા, નાના ભાઈ મહેરનોઝ કરંજિયા, ભાભી પેરીન કરંજિયા, દીકરી મહારુખ ચીચગર, દીકરો શહેનાઝ કરંજિયા તથા ભાઈ રોહિન્ટન કરંજિયા અને ખાસ મિત્ર જાલ લંગડાના સહિતનું તેમનું ‘યઝદી કરંજિયા ગ્રુપ’ સુરતમાં જ નહીં, દેશના તમામ મોટા કેન્દ્રો અને વિદેશોમાં પણ આજીવન નાટ્યપ્રયોગો કરીને લોકોનું મનોરંજન કરતાં રહ્યાં છે.
ગુજરાત રાજ્યની સંગીત નાટ્ય અકાદમી, પ્રમાણપત્ર બોર્ડ જેવી સરકારી - સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે યઝદીભાઈ વર્ષોથી સંકળાયા છે. તેના દ્વારા તેઓ આજની યુવા પેઢીને રંગકર્મ માટે પ્રોત્સાહિત કરતાં રહ્યાં છે. તેમના ‘બિચ્ચારો બરજોર’, ‘દીનશાજીના ડબ્બા ગુલ’ કે ‘કુતરાની પૂંછડી વાંકી’ જેવાં હાસ્ય નાટકોથી તેઓ વર્ષો વર્ષ પ્રેક્ષકોને હસાવતા રહ્યાં છે. કેમ્બે ઇન્સ્ટીટયુટ ઓફ કોમર્સ દ્વારા તેઓ વર્ષોથી કોચિંગ પ્રવૃત્તિ સાથે વ્યવસાયિક રીતે સંકળાયા છે. જેમને યઝદી કરંજિયાને ‘પદ્મશ્રી’નો ઇલકાબ મળવો એ સુરત જ નહીં ગુજરાત અને દેશની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ગૌરવની વાત છે.