સૂરત : પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ એસિડ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટનામાં એક કર્મચારી આગમાં ભથ્થું થઇ જતાં ફેકટરીની ઘોર બેદરકારી છતી થવા પામી છે. ઘટનામાં બે લોકો હાલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે. જોકે અન્ય એક કર્મચારી હાલ પણ લાપતા હોવાનું જાણવા મળે છે.આગ સામે સુરક્ષાના નિયમોને ઘોળીને પી ગયેલ ફેકટરી માલિક દ્વારા ફાયરની કોઈ પણ પ્રકારે એનઓસી મેળવવામાં આવી નહોતી. આ ઘટનાને લઈ ફેકટરી માલિકો દ્વારા ઘટના પર પડદો પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના અંગે સૂરત મનપા તેમ જ પાંડેસરા પોલિસે હાલ તપાસ હાથ ધરી છે.
પોલિસે સ્થળ પર પહોંચી અડધો કિલોમીટર સુધીનો માર્ગ અવરજવર માટે બંધ કરાવી દીધો હતો. બીજી તરફ સૂરત ફાયર વિભાગના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી બે કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ પાણી અને એસિડ એકસાથે ભળી જવાના કારણે બળતરા જેવી સ્થિતિનો સામનો ફાયરના જવાનોએ કરવો પડ્યો હતો.એસિડ યુક્ત કેમિલવાળા પાણીમાંથી પસાર થવા ફાયરના જવાનોએ ગમ બૂટ પહેરવા પડ્યાં હતાં. ભીષણ આગના પગલે કેમિકલયુક્ત ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી પ્રસરી ગયાં હતાં. જેની અસર આશરે બે કિલોમીટર સુધી લોકોમાં શ્વાસ રૂંધાવાની સમસ્યા જોવા મળી હતી.આગ પર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી ફાયર દ્વારા હાથ ધરવામાં આવી. ત્યાં બીજીતરફ નિયમોને ઘોળીને પી ગયેલ ફેકટરી માલિક દ્વારા કોઈ પણ ફાયરની એનઓસી લેવામાં આવી ન હતી. ફેકટરીમાલિકની બેદરકારી સ્પષ્ટ છતી થઈ હતી.
આગની ઘટના બન્યા બાદ ફેકટરીમાં કામ કરતાં અમનસિંઘ નામના કર્મચારીએ ત્રીજા માળેથી પોતાનો જીવ બચાવવા કૂદકો મારી દીધો હતો.જ્યાં તેને તાત્કાલિક સારવાર અર્થે સૂરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સદનસીબે બચાવ થયો હતો,પરંતુ પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ સાથે જ કંપનીમાં કામ કરતાં અન્ય એક કર્મચારીનો મૃતદેહ આગમાં ભથ્થું થઈ ગયો હતો. જ્યાં કુલિંગની કામગીરી વેળાએ કર્મચારીનો મૃતદેહ મળી આવતાં અન્ય કર્મચારીઓમાં શોકનો માહોલ સર્જાયો હતો. પાંડેસરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સૂરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એસિડયુક્ત કેમિકલના સ્મોક થી આમોદ નામનો કર્મચારી ગૂંગળામણથી બેભાન થઈ ગયો હતો તેને પણ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ફેકટરી માલિકની બેદરકારીના પગલે એક કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો,જ્યારે અન્ય બે હોસ્પિટલના ખાટલે પડવાનો વારો આવ્યો. ત્યારે આ ઘટનામાં હવે તંત્ર ફેકટરી માલિક સામે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.