પ્રાપ્ત વિગતો અનુસાર, ઉનાળાની ગરમી અને રમજાન મહિનામાં રોજા હોવા છતાં મુસ્લિમ સમાજના વાલીઓ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર કલાકો સુધી પોતાના બાળકોના એડમિશન માટે રઝળપાટ કરતા જોવા મળ્યા હતા.
સુરતના ઝાંપા બજારમાં આવેલી મદરેસા તાએબીયા ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલની મનમાની સામે આવી છે. RTEમાં પ્રવેશ મળ્યા બાદ લઘુમતી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા વાલીઓ મોટી સંખ્યામાં DEO કચેરી પહોંચ્યા હતા. શાળાના વલણથી હેરાન-પરેશાન થઈ ગયેલા વાલીઓ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રજુઆત માટે પહોચ્યા હતા.
આશરે 35 જેટલા ગરીબ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જેને લઇને ખાનગી શાળાના સંચાલકોની મનમાની સામે આવી હતી. જેથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. રાઈટ ટુ એજ્યુકેશન એકટનો અમલીકરણ ફક્ત કાગળ પર હોય એવું જોવા મળી રહ્યું છે. ખાનગી શાળાઓ રાજ્ય સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એકટને પણ ઘોળીને પી ગયા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. ત્યારે સ્થાનિક શિક્ષણ તંત્ર આંખે પાટા બાંધી બેઠા હોય તેવું ફલિત થઈ રહ્યું છે.