માંગરોળઃ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.દ્વારા નવી વીજ લાઈન બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સુરત જિલ્લાના 100થી વધુ ગામોમાં નવી હાઈટેન્શન વીજ લાઈન પસાર થવાની જાહેરાત છે. આ વીજ લાઈનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ સંદર્ભે આજે સુરત જિલ્લાના ખેડૂતો એકત્ર થયા અને એક બેઠક યોજી હતી. આ બેઠક માંગરોળના કઠવાડા ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.
7 જિલ્લામાં વીજલાઈનઃ અમદાવાદથી દક્ષિણ ગુજરાતના નવસારી સુધી નવી હાઈ ટેન્શન વીજલાઈન નાખવા માટે જાહેરનામુ બહાર પડાયું છે. ગુજરાતના 7 જિલ્લામાંથી આ વીજલાઈન પસાર થશે. જેમાં સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકાના 100થી વધુ ગામોમાંથી આ વીજ લાઈન પસાર થશે. સુરત જિલ્લાના ખેડૂતો આ વીજલાઈનનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માંગરોળના કઠવાડા ખાતે ખેડૂતો એકત્ર થયા હતા.
જમીનની કિંમત પર અસરઃ ખેડૂતોની મહામૂલી જમીનમાં વીજલાઈન માટેના ટાવર ઊભા થવાથી આ જમીનની બજાર કિંમત અડધી જવાનો ભય સેવાઈ રહ્યો છે. ખેડૂતોના વિરોધને ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ સપોર્ટ કરી રહ્યું છે. ખેડૂત સમાજના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિરોધ કેવી રીતે કરવો, કયા કાર્યક્રમો હાથ ધરવા તેની આ બેઠકમાં ચર્ચા થઈ હતી.
અગાઉ અનેક લડતઃ તાજેતરમાં જ કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેકટ એવા બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે તેમજ રેલવે ફ્રંટ કોરિડોર માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. જમીનના યોગ્ય વળતર માટે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ લાંબી લડત લડી હતી. હવે આ હેવી ટેન્શન વીજલાઈનને પરિણામે પણ ખેડૂતોએ લડત લડવાનો વારો આવ્યો છે.
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.દ્વારા નવી વીજલાઈન બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેનાથી ખેડૂતોને નુકસાન થશે. તેથી સુરત જિલ્લાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધના સંદર્ભે આજે માંગરોળના કઠવાડા ખાતે બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં વિરોધના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે...રમેશ પટેલ(પ્રમુખ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ)
વિરોધના શ્રી ગણેશઃ સુરત જિલ્લાના ખેડૂતોના વિરોધના શ્રી ગણેશ આજે માંગરોળ તાલુકાના કઠવાડા ગામથી થયા છે. આવનારા દિવસોમાં ગુજરાત ખેડૂત સમાજ સમગ્ર રાજ્યમાં અસરગ્રસ્ત તાલુકાઓમાં જઈ ખેડૂતો સાથે મિટિંગ કરશે. કોઈ પણ ભોગે ખેડૂતોની મહામૂલી જમીનને બચાવવાનો દ્રઢ નિર્ધાર ગુજરાત રાજ્ય ખેડૂત સમાજે કર્યો છે.