- બારડોલીના જૂની કીકવાડ ગામની સીમમાં જોવા મળી નીલ ગાય
- સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે નીલ ગાય
- શેરડીના ખેતરમાં બચ્ચા સાથે ચરતી જોવા મળી
સુરતઃ રોઝ એટલે કે નીલ ગાય સામાન્ય રીતે ઉત્તર ગુજરાત અને ગીરના જંગલોમાં જોવા મળતી હોય છે. પરંતુ છેલ્લા દસેક દિવસથી આ ગાય જિલ્લાના બારડોલી તાલુકામાં જોવા મળતા લોકોમાં કુતુહુલ સર્જાયું છે. આ ગાય શેરડીના ખેતરોમાં જોવા મળી છે.
પગમાર્ક જોવા મળ્યા બાદમાં છાણ પરથી નીલ ગાય હોવાનું અનુમાન લગાવ્યું
જૂની કીકવાડ ગામની સીમમાં કોઈ અજીબ પ્રકારનું પ્રાણી દેખાય રહ્યું હોવાની વાત જાણવા મળતા જ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટીમે તપાસ કરતા ગાય કે ભેંસના મોટા પગના નિશાનો જોવા મળ્યાં હતા. પગમાર્ક જોઈ કઈ સમજાતું ન હતું. બાદમાં એક ખેડૂતના ખેતરમાં નિલ ગાય સાંજે 6 થી 7 વાગ્યે ચરવા માટે આવતી હોવાનું જાણવા મળ્યું હતું. શેરડીના ખેતરમાં એનું છાણ મળતા તેના પરથી તે નીલ ગાય (રોઝ) હોવાનું માલુમ પડ્યું હતું. ત્યાર બાદ ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટીમે વનવિભાગના આરએફઓને જાણ કરી હતી.
નાનું બચ્ચું પણ સાથે હોય નર નીલ ગાય હોવાની સંભાવના
આ દરમિયાન ખેતર માલિક દ્વારા સાંજના સમયે નીલ ગાયની રાહ જોઈને બેઠા હતા, તે સમયે 06:20 વાગ્યે પહેલા એક નીલ ગાય શેરડીમાંથી બહાર આવતી જોવા મળી હતી અને તેની સાથે એક નાનું બચ્ચું પણ આવ્યું હતું. ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલફેરની ટીમના જણાવ્યા મુજબ નીલ ગાયનું બચ્ચું નાનું હતું એટલે નર નીલ ગાય પણ હોવું જોઈએ. જિલ્લામાં અગાઉ માંડવી તાલુકાનાં પીપરીયા ગામે તાપી કિનારે નીલ ગાયનું જોડું જોવા મળ્યું હતું, ત્યાર બાદ બારડોલી તાલુકામાં પહેલી વાર નીલ ગાય જોવા મળી છે.
બારડોલી તાલુકામાં આટલા પ્રાણીઓ જોવા મળે છે
બારડોલી તાલુકાના ઘણાં ગામડાઓમાં દિપડા, જળ બિલાડી, નોળીયા, તાડ બિલાડી, સામાન્ય વિજ બિલાડી, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, હનુમાન લંગુર, શિયાળ, શાહુડી જેવા પ્રાણીઓ ઉપરાંત ચૌસિંગા હરણ પણ કોઈક વાર જોવા મળે છે.