સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગરમાં રહેતા યુપી પરિવારની 14 વર્ષીય કિશોરી છેલ્લા 13 દિવસથી ઘરેથી ગુમ છે. મૂળ યુપીના ગાજીપૂર જિલ્લાના વતની પાંડે પરિવારની 14 વર્ષીય કિશોરી ગત તા. 5મી સપ્ટેબરના રોજ ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ પાંડેસરા પોલીસ મથકને આ બાબતની જાણ કરી હતી. જેમાં પરિવારને ભારે ધક્કા ખવડાવ્યા બાદ મોડે મોડે પોલીસે ફરિયાદ લઈ માત્ર સંતોષ માણ્યો હતો.
કિશોરીને ગુમ થયાને 13 દિવસ જેટલો સમય વીતવા આવ્યો છે. તેમ છતાં કિશોરીને શોધવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે. પોતાની દિકરી ગુમ થતાં પરિવારજનો અવાર-નવાર પોલીસ મથકના પગથિયાં ઘસવા પડી રહ્યાં છે, પરંતુ પોલીસે કોઈ ચોક્કસ તપાસ કરી હોય તે પ્રકારનો કોઈ પણ સંતોષકારક જવાબ પોલીસ તરફથી આપવામાં આવ્યો નથી.
આ અંગે પરિવારે પાંડેસરા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે. પોતાની દિકરીની કોઈ ભાળ ન મળતા ન્યાયની માંગ સાથે કિશોરીની માતા અને બહેન સુરત પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજુઆત કરવા પહોંચ્યા હતા.
પરિવારની આંખોમાં દિકરીની ચિંતાના અશ્રુ સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે, પરંતુ સામાન્ય અને ગરીબ વર્ગના આ પરિવારની વ્યથા સાંભળવામાં જાણે પાંડેસરા પોલીસને કોઈ જ રસ નથી તેવી પ્રતીતિ થઈ રહી છે. જો કે, સુરત પોલીસ કમિશ્નર અજય તોમર પરિવારજનોની આ વેદનાને વાંચા આપી યોગ્ય તપાસ કરાવવા અંગેના આદેશ પાંડેસરા પોલીસને આપે છે કે, કેમ તે જોવું રહ્યું.