સુરત : સામાન્ય રીતે જ્યારે બાઈક ચોરી થાય ત્યારે લોકો પોલીસ ફરિયાદ કરતા હોય છે. પરંતુ સુરતમાં એક વ્યક્તિની બાઈક ચોરી થતાં એવું કાર્ય કર્યું કે ચોરનું હૃદય પરિવર્તન થયું. ઉપરાંત ચોર પોતે આવીને બાઈક પરત મૂકી ગયો. જાણો સમગ્ર મામલો
ટોક ઓફ ટાઉન કિસ્સો : સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, વાત જાણે એમ છે કે સુરતના મોટા વરાછા મહાદેવ ચોક મીડલ પોઈન્ટમાંથી પરેશભાઈ પટેલ નામના વ્યક્તિની બાઈક પાર્કિંગમાંથી ચોરી થઈ ગઈ હતી. પરેશભાઈને બાઈક નહીં મળતા તેઓએ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં એક વ્યક્તિ બાઈકની ચોરી કરીને જતો દેખાયો હતો. બાઈક ચોરી થયા બાદ તેઓ ઘણા દુઃખી થયા હતા. પરંતુ પોલીસ ફરિયાદ કરવાની જગ્યાએ પરેશભાઈએ એવું કામ કર્યું કે ચોરનું મન પરિવર્તન થઈ ગયું હતું.
પરેશભાઈનું લાગણીશીલ પગલું : પરેશભાઈની બાઈક ચોરી થયા બાદ દુઃખી મન સાથે તેઓએ બાઈક ચોરી અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયામાં શેર કરેલી પોસ્ટમાં પરેશભાઈએ લખ્યું કે, " શ્રીમાન ચોર સજ્જને માલુમ થાય કે જ્યાંથી ગાડીની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઈડના ખૂણામાં એ ગાડીની આરસી બુક અને ચાવી મુકેલ છે. તો તમારા ટાઈમે આવીને લઈ જજો અને સુખેથી ચલાવજો, મારું ટેન્શન ના લેતા મારી પાસે સાયકલની વ્યવસ્થા છે."
મારું બાઈક ચોરી થતાં મેં એક મેસેજ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જે ખૂબ વાયરલ થતાં ચોરના ધ્યાનમાં આવ્યો હશે. જેનાથી તેનું હૃદય પરિવર્તન થયું અને બાદમાં ચોર ફરીથી બાઈક પાર્કિંગમાં મૂકીને જતો રહ્યો છે. તો એ ચોરનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. -- પરેશભાઈ પટેલ (બાઈક માલિક)
ચોરનું હૃદય પરિવર્તન થયું : સોશિયલ મીડિયામાં પરેશભાઈની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થયા બાદ જાણે ચોરનું હૃદય પરિવર્તન થયું હોય તેમ ચાર દિવસ બાદ ફરીથી તે જગ્યાએ બાઈક મૂકીને જતો રહ્યો હતો. જોકે આ તકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પરેશભાઈએ મેસેજમાં શું લખ્યું ? આ ઘટના અંગે બાઈક માલિક પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારી ગાડી મોટા વરાછા મહાદેવ ચોક મીડલ પોઈન્ટમાંથી ચોરી થઈ હતી. બાઈકની ચોરી થયા બાદ મને ઘણું દુઃખ થયું હતું. બાદમાં મેં ચોર માટે એક મેસેજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં મેં લખ્યું હતું કે, શ્રીમાન ચોર સજ્જ ગાડી લઈ ગયા છો તો તે જ જગ્યાએથી આરસી બુક અને ચાવી પણ ત્યાં જ મૂકી છે, તે પણ તમારા સમયે આવીને લઇ જજો. મારી પાસે સાયકલ છે તેનાથી હું કામ ચલાવી લઈશ, તમે મારી ચિંતા નહી કરતા.
ચોરનો ખૂબ ખૂબ આભાર : પરેશભાઈ પટેલે વધુમાં કહ્યું કે, આ ટાઈપનો મેસેજ મેં સોશિયલ મીડિયામાં મુક્યો હતો, જે મેસેજ વાયરલ થયો હતો. જેનાથી ચોરનું પણ ધ્યાન ગયું હતું અને કદાચ ચોરે પણ આ મેસેજ વાંચ્યો હશે. જેનાથી તેનું હૃદય પરિવર્તન થયું અને બાદમાં ચોર તે જ જગ્યાએ ફરીથી બાઈક પાર્કિંગમાં મૂકીને જતો રહ્યો છે. તો એ ચોરનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ સોશિયલ મીડિયા મિત્રોનો પણ આભાર.