સુરતઃ કોરોના વાયરસની જંગ સામે સરકાર દ્વારા ભારતભરમાં લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનનું ચુસ્ત અમલ કરાવવા પોલીસ, ટીઆરબી અને હોમગાર્ડના જવાનો દિવસ-રાત ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે, ત્યારે તેઓનું સ્વાસ્થ્ય પણ જળવાય રહે તે ઉદ્દેશ્યથી સુરતમાં મેડિકલ મોબાઈલ વેન શરૂ કરવામાં આવી છે. જે શહેરના 366 પોઇન્ટ પર ખડેપગે ફરજ બજાવતા ટીઆરબી, પોલીસ અને હોમગાર્ડના જવાનોની આરોગ્યલક્ષી તપાસ કરશે. આ સેવાનો પ્રારંભ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.
![Medical mobile van service launched for security personnel in Surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-mobile-medical-7200931_03042020124651_0304f_1585898211_875.jpg)
લોકડાઉનનો આજે દસમો દિવસ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ લોકડાઉનનું ચુસ્ત અમલ કરાવવા ભરબપોર અને દિવસ-રાત ખડેપગે ફરજ બજાવી રહી છે. શહેર પોલીસની સાથે સાથે ટીઆરબી અને હોમગાર્ડના જવાનો પણ લોકડાઉનના બંદોબસ્તમાં સેવા આપી રહ્યાં છે. પોતાના પરિવારને એક બાજુએ મૂકી અને પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના તેઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે, ત્યારે આ જવાનોના સ્વાસ્થ્યની ચિંતા સુરત પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટે કરી છે.
![Medical mobile van service launched for security personnel in Surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-mobile-medical-7200931_03042020124651_0304f_1585898211_948.jpg)
આ માટે એક મેડિકલ મોબાઇલ વાન સેવા શરૂ કરવામાં આવી છે. જે મેડિકલ મોબાઈલ વેન ચોવીસ કલાક માટે શહેર પોલીસ, ટીઆરબી અને હોમગાર્ડના જવાનો માટે કાર્યરત રહેશે. તમામ મેડિકલ ઈકવિપમેન્ટ્સ સહિતની સુવિધાથી સજ્જ આ મેડિકલ વેન શહેરના 366 પોઇન્ટ પર ફરજ બજાવતા તમામ જવાનોની સ્વાસ્થ્યલક્ષી તપાસ કરશે.
જો કોઈ લક્ષણો જણાય તો જરૂરી મેડિકલ સેવા પણ પુરી પાડશે. જે મેડિકલ મોબાઈલ સેવાનો પ્રારંભ આજે શહેર પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટે લીલી ઝંડી આપી કરાવ્યો હતો.