બારડોલી: સુરતના બારડોલી તાલુકાનાં મોતા ગામે મામાએ ભાણેજ પર બળાત્કારનો પ્રયાસ કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. આ અંગે બાળકીની માતાએ બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બાળકી માતાના મોસાળમાં આવી હતી: માંડવી તાલુકાના એક ગામનો શ્રમિક મહિલા દિવાળી વેકેશન હોય પોતાના સંતાનો સાથે પલસાણા તાલુકામાં આવેલા પોતાના પિયરમાં માટે આવી હતી. મહિલાનું મોસાળ બારડોલી તાલુકાનું મોતા ગામ હોય, અહીં દેવદિવાળીના દિવસે મેળો ભરાતો હોય તેમાં જવા માટે તેણી બાળકો સાથે શુક્રવારના રોજ મોસાળમાં આવી હતી. તેની સાથે તેની દસ વર્ષની બાળકી પણ આવી હતી.
કોકો પીવડાવવાના બહાને લઈ ગયો હતો: આ બાળકીને મહિલાના મામાનો દીકરો રાહુલ બહાદુર રાઠોડ શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ આઇસ્ક્રીમની લારી પર કોકો પીવડાવવા લઈ ગયો હતો. જ્યાંથી તે ફોસલાવીને બાળકીને મોતા પાલી રોડ પર આવેલ ખેતરાડી વિસ્તારમાં લઈ ગયો હતો અને ત્યાં બાળકીના કપડાં કાઢી તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કરી ગંદી હરકતો કરી હતી.
'બાળકી સાથે બળાત્કારનો પ્રયાસ થયો છે. હાલ બાળકીના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. આરોપીની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.' -બારડોલી ગ્રામ્ય પી.એસ.આઈ
દાદીને જાણ કરતા ભાંડો ફૂટ્યો: બાળકી ત્યાંથી ભાગીને રડતી રડતી સીધી તેના ઘરે ગઈ હતી અને તેની દાદીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. ગ્રામજનો ભેગા થઈ જતાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. ઘટના અંગે બાળકીની માતાએ બારડોલી ગ્રામ્ય પોલીસને ફરિયાદ કરતાં પોલીસે આઇપીસી તેમજ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.