સુરત: માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસના કુલ 32 કેસ જોવા મળ્યા છે. આ રોગ પ્રત્યે પશુપાલકોમાં જાગૃતિ આવે તે માટે સુરત જિલ્લા પશુ પાલન વિભાગ દ્વારા ગામડે ગામડે રિક્ષા ફેરવવામાં આવી રહી છે. તેમજ પશુઓને લમ્પી વાયરસથી કેવી રીતે બચાવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
20 પશુ લમ્પી વાયરસથી મર્યાઃ માંગરોળ તાલુકાના વેરાકૂઈ, પાતળદેવી, આંબાવાડી સહિતના ગામોમાં છેલ્લા 15 દિવસથી લમ્પી વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. આ વાયરસને લીધે પશુઓની ચામડી પર ફોલ્લા પડી જાય છે અને પશુ ખોરાક લેવાનું બંધ કરી દે છે. થોડો સમય બાદ પશુનું મૃત્યુ થાય છે. હાલ માંગરોળ તાલુકામાં પશુઓના મૃત્યુની સંખ્યા વધી છે.પશુ પશુપાલકોના જણાવ્યા મુજબ 20 જેટલા પશુઓ આ લમ્પી વાયરસનાં કારણે મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. જેને લઇને પશુપાલકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે.
છેલ્લા 15 દિવસથી અમારી ટીમ માંગરોળ તાલુકામાં ખડેપગે છે. ઘણી ગાયોમાં લંપી વાયરસનાં લક્ષણો પણ મળી આવ્યા છે. આ રોગ આગળ ન વધે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.પશુ પાલકોમાં જન જાગૃતિ આવે તે માટે રિક્ષાઓ ગામડે ગામડે ફેરવવામાં આવી રહી છે. પશુ પાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હાલ ઘણા પશુઓમાં રિકવરી ખૂબ જ સારી છે.ગાંધીનગર થી પણ અમારા ઉચ્ચ અધિકારીઓ સતત રિપોર્ટ લઈ રહ્યા છે...ડૉ. મયુર ભીમાણી (નાયબ નિયામક, પશુ પાલન વિભાગ, સુરત )
92 ગામડામાં સર્વે હાથ ધરાયોઃ વધી રહેલા લમ્પી વાયરસને નાથવા સુરત જિલ્લા પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું છે. કુલ 6 ટીમો કામગીરી કરી રહી છે. માંગરોળ તાલુકાના ગામોમાં જન જાગૃતિ માગે રિક્ષાઓ ફેરવવામાં આવી રહી છે. તેમજ પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી માંગરોળ તાલુકાના 92 ગામડાઓમાં સર્વે બાદ 20 હજાર પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે.