સુરતઃ છેલ્લા ઘણા સમયથી સુરતનું કામરેજ ટોલ પ્લાઝા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ટોલ ઉઘરાણીને લઈ કામરેજ ટોલ પ્લાઝા ખાતે અનેકવાર વિરોધ પ્રદર્શન થતા રહ્યા છે. ત્યારે ફરી એક વાર કામરેજ ટોલ પ્લાઝા ખાતે વાહનચાલકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક વાહનચાલકો પાસે ટોલ ઉઘરાવવાના નિર્ણયને લઈ વાહનચાલકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો NHAI સરકાર સાથે મળીને ટોલટેક્સના નામે કરી રહી છે કરોડોનું કૌભાંડ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો આકરો વિરોધ
લોકલ વાહનચાલકોમાં રોષઃ NHAI દ્વારા 5 ફેબ્રુઆરીથી લોકલ વાહનચાલકો પાસે પણ ટોલ લેવાના નિર્ણયથી વાહનચાલકોમાં રોષ હતો. ત્યારે સ્થાનિક વાહનચાલકોએ ટોલ પ્લાઝા ખાતે વાહનો થંભાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. નેશનલ હાઈવે નંબર- 48 ઉપર આવેલા NHAIના ટોલ પ્લાઝા ખાતે વાહનચાલકોએ 45 મિનીટ સુધી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે વાહનચાલકોએ સ્થાનિક વાહનચાલકો એટલે કે, જીજે 5 અને જીજે 19ના વાહનચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરી હતી.
વાહનચાલકોએ પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશેઃ જેતે સમયે કામરેજ ટોલ પ્લાઝાનો કોન્ટ્રાક્ટ IRB પાસે હતો. IRB દ્વારા લોકલ વાહનચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ત્યારે હાલ કામરેજ ટોલ પ્લાઝાનું સંચાલન NHAI કરી રહી છે. NHAI દ્વારા લોકલ વાહનચાલકો પાસેથી 50 ટકા ટોલ વસૂલાત કરવાનો નિર્ણય કરાતા વાહન ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
50 ટકા ટેક્સ વસૂલવાનું નક્કી કરાયું હતુંઃ એટલે 5મી ફેબ્રુઆરીથી લોકલ વાહનચાલકો પાસેથી 50 ટકા ટેક્સ વસૂલવાનું નક્કી કરાયું હતું. ત્યારે 2 દિવસ પહેલા વાહનચાલકોના વિરોધ અને હોબાળા બાદ આજે ફરી કામરેજ ટોલ પ્લાઝા ખાતે એક બેઠક મળી હતી. આ બેઠક સ્થાનિક, NHAI અધિકારીઓ અને પોલીસની મળી હતી, જેમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. NHAI દ્વારા લોકલ વાહનચાલકો પાસે ટોલ વસૂલી કરવાની મુદત વધારવામાં આવી છે. લોકલ વાહન ચાલકો માટે આગામી 10 ફેબ્રુઆરી સુધી ટોલ ફ્રી રહેશે ત્યારે વાહનચાલકોએ પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશે.
વાહનચાલકો સાથે યોજાઈ બેઠકઃ સુરત જિલ્લા ટ્રક એસોસિએશનના પ્રમુખ જગદીશ મેરે જણાવ્યું હતું કે, લોકલ વાહનો પાસેથી ટોલ ઉઘરાવવા મુદ્દે મિટીંગ મળી હતી, જેમાં લોકલ વાહનોને 10 દિવસ માટે ટોલ પ્લાઝા પર આવી ડોક્યૂમેન્ટ જમા કરાવવા પડશે.
ટોલ પ્લાઝા પર થોડા દિવસો પહેલા મારામારી થઈ હતીઃ 8 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યાની આસપાસ ટોલ પ્લાઝા પાસેથી પસાર થતા ડમ્પર નબર જીજે114- 9616ના ચાલકે ટોલ ભર્યા વગર ટોલ કર્મીઓને બૂમ બેરિયર હટાવવા કહેતા ટોલ કર્મીઓ ટોલ ટેક્ષનો આગ્રહ રાખતા મામલો ઉગ્ર બન્યો હતો. ડમ્પરચાલક અને ટોલકર્મીઓ વચ્ચેની માથાકૂટ થતા ચાલકે ડમ્પર બૂથ લાઈન વચ્ચે જ બંધ કરી દેતા વાહનોની લાંબી કતાર થઈ ગઈ હતી. ત્યારે આજુબાજુના ટોલ બૂથકર્મીઓની વિનંતીથી ડમ્પર સાઇડે કર્યું હતું. ડમ્પર ચાલક સહિત ગાડીમાં બેઠેલા વ્યક્તિએ માલિકને સમગ્ર ઘટનાની જાણ કરતા સ્થળ પર સંજય ભાઈ તેમજ સામતભાઈ નામના પિતા પુત્ર આવ્યા હતા.
આ પણ વાંચો Toll booth close in Junagadh: રાજકોટ સોમનાથ વચ્ચેના બેમાંથી એક ટોલબૂથ બંધ થશે?
ટોલ પ્લાઝા પર થઈ હતી માથાકૂટઃ આ બંને વ્યકિતઓ દ્વારા વીસેક દિવસ અગાઉ પણ ટોલકર્મીઓને બૂથમાં ઘૂસી માર્યા અંગે કામરેજ પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ટોલ પ્લાઝાની માથાકૂટ દરમિયાન બંનેએ ટોલ કર્મીઓને ટોલ બહાર નીકળવા સહિત બહાર દેખાઈ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ ઉચ્ચારી હતી.અગાઉ પણ સદર ઘટનામાં થયેલી મારામારી અંગે કામરેજ પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.ત્યારે કામરેજ પોલીસ મથકે ટોલ પ્લાઝા અધિકારીએ વધુ એક ફરિયાદમાં ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ટોલ કર્મીઓ પણ કોઈ પ્રકારનો હુમલો થશે એના સંપૂર્ણ જવાબદાર પિતા પુત્ર સંજયભાઈ તેમજ સામતભાઈ રહેશે.કામરેજ પોલીસ મથકે કરેલી ફરિયાદમાં તેમના વિરૂદ્ધ એફઆઇઆર પણ દાખલ કરવા જણાવ્યું હતું.