સુરત : પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે 100 નંગ પતંગ માટે લોકો 300 થી લઈ 500 રૂપિયા આપી રહ્યા હતા જોકે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા લોકો 40 થી 50 રૂપિયા વધારે આપી રહ્યા છે. પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં 15 ટકા નો વધારો નોંધાયો છે. જોકે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલ કાય પતંગ તૈયાર કરવામાં આવી છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે.
લોકોની પસંદના પ્રમાણે અમે પતંગ ડિઝાઇન કરાવતા હોઈએ છીએ. આ વખતે 22મી જાન્યુઆરીના રોજ દેશભરના લોકોમાં રામ મંદિરને લઈને ઉત્સાહ છે તેને ધ્યાનમાં રાખી અમે સાત ફૂટનું રામ મંદિર થીમ પર પતંગ તૈયાર કરાવ્યું છે. અલગ અલગ ડિઝાઇનમાં પતંગ જોવા મળે છે લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહ્યું છે અને અગાઉથી જ લોકોએ બુકિંગ પણ કરી નાખી છે. આ સાથે પીએમ મોદી અને સીએમ યોગીની તસવીર વાળી પતંગ પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે લાકડાના ભાવમાં વધારો નોંધાતા વખતે પતંગના ભાવમાં પણ વધારો થયો છે તેમ છતાં લોકો સારી ખરીદી કરી રહ્યા છે. - સંજયભાઈ, વેપારી
રામ મંદિરની થીમ પર પતંગ બનાવાઇ : ભગવાન રામમાં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાલકાય પતંગ પસંદ કરી રહ્યા છે. જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઊભા છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળે છે. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે, દેશભરમાં જેને લઇ ઉત્સાહ છે. ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળશે. ખાસ રામ મંદિર ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખી શહેરમાં પતંગ વેપારીઓ દ્વારા ખાસ આ પતંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેની કિંમત 1200 રૂપિયાથી લઇ 1500 રૂપિયા સુધી છે કેટલાક વેપારીઓને ત્યાં બુકિંગ પહેલા જ થઈ ગઈ છે.
હું અહીં પતંગ ખરીદવા માટે આવ્યો હતો મારી નજર રામ મંદિર વાળી પતંગ ઉપર જતા મને ખૂબ જ ગમ્યું છે અને આ પતંગ હું ખરીદવા માગું છું. જ્યારે આ પતંગ આકાશમાં ઉડશે ત્યારે રામ મંદિરનો પ્રચાર પણ થશે. આ વખતે પતંગ મોંઘી છે પરંતુ પતંગ ઉપર રામ મંદિર હોવાના કારણે હું તેની કિંમત ઉપર ધ્યાન આપી રહ્યો નથી. - વિનોદભાઈ, ગ્રાહક
રાજનિતીની થીમ પર પતંગ બનાવાઇ : આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની તસ્વીર વાળી પતંગને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પતંગ ઉપર માત્ર તેઓની તસવીર જ નહીં પરંતુ અનેક સંદેશા પણ લખવામાં આવ્યા છે. પતંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હિન્દીમાં લખવામાં આવ્યું છે કે ' શેર યદી દો કદમ પીછે હટતા હૈ તો યે ન સમજના કી વહ ડર ગયા ક્યુ કી વહ જાણતા હૈ કી કબ ઉસે લંબી છલાંગ લગાની હૈ' અન્ય પતંગો ઉપર પણ આવી જ રીતે અનેક પ્રકારના સ્લોગન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી માટે લખવામાં આવ્યા છે જે લોકોને પસંદ પણ આવી રહી છે.