સુરતઃ જિલ્લામાં ગાંધી જયંતિના દિવસથી બારડોલીના સ્વરાજ આશ્રમ અને ખાદી ગ્રામઉદ્યોગ સંચાલિત ખાદીભવનમાં અલગ અલગ પ્રકારની ખાદી પર 15થી 25 ટકા જેટલું વળતર આપવામાં આવે છે. જેને કારણે ખાદી શોખીનો મોટી સંખ્યા ખાદીની ખરીદી કરવા ઉમટી પડતા હોય છે. જો કે, આ વખતે કોરોના મહામારીને કારણે ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી હતી.
આઝાદી બાદ દેશમાં ખાદીને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા દેશભરમાં ખાદી અને ગ્રામોદ્યોગની સ્થાપના કરવામાં આવી હતી. સરકારના પ્રોત્સાહન બાદ ખાદીના વસ્ત્રો પ્રત્યે લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. યુવા વર્ગ પણ ધીમે ધીમે ખાદી વસ્ત્રો તરફ આકર્ષાય રહ્યો છે.
બારડોલીના સરભોણ ચાર રસ્તા પાસે આવેલા સુરત જિલ્લા ખાદી ગ્રામોદ્યોગના મેનેજર હરેન્દ્રસિંહ વસવારીયાએ જણાવ્યું કે ગાંધીજી કહેતા કે ખાદીનો અર્થ એવી વસ્તુ કે જેમાં ભેળસેળ થઈ ન હોય તે પછી વસ્ત્ર હોય કે વ્યક્તિ પણ હોય શકે. તેમણે કહ્યું કે અમારા ભવનમાં અનેક વિવિધતા પૂર્ણ ખાદી મળે છે. જેમાં સુતરાઉ ખાદી, પોલિસ્ટર ખાદી, રેશમ ખાદી, ગરમ ખાદી અને વાંસના રેસામાંથી બનેલી ખાદીનું વેચાણ કરવામાં આવશે. પહેલા ખાદીની ખરીદી મોટાભાગે ગાંધીવાદીઓ અને રાજકીય તેમજ સહકારી નેતાઓ જ કરતાં હતા. પરંતુ જેમ જેમ ખાદી પ્રત્યે લોકોમાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ યુવા વર્ગ પણ ખાદીના વસ્ત્રો તરફ આકર્ષાય રહ્યો છે. યુવા વર્ગને ધ્યાનમાં રાખી ખાદીમાં અત્યાધુનિક વસ્ત્રોનું આગમન થઈ રહ્યું છે. જેમાં યુવાનો માટે આકર્ષક ડિઝાઇન અને કલરમાં શર્ટ અને કુર્તા પાયજામા, મહિલાઓ માટે કુર્તી અને સાડી ઉપલબ્ધ હોય મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરતાં હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, દર વર્ષે 12 થી15 લાખ રૂપિયાનું ગાંધી જયંતિના દિવસે વેચાણ થાય છે. પરંતુ આ વખતે 6.25 લાખ જેટલું જ વેચાણ થઈ શક્યું છે. વેચાણમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
ખાદીવસ્ત્ર પર આપવામાં આવતું વળતર
સુતરાઉ કાપડ: 25 ટકા
પરપ્રાંતીય ખાદી: 15 ટકા
રેશમ ખાદી: 15 ટકા
ગુજરાતમાં બનતી તમામ પ્રકારની ખાદી: 25 ટકા