સુરતઃ કાશ્મીર ખીણના 150 વિદ્યાર્થીઓ ગુજરાતના મહેમાન બન્યા હતા. નહેરુ યુવા કેન્દ્ર, સુરત અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે કાશ્મીરી વિદ્યાર્થીઓનો આ પ્રવાસ યોજાયો હતો. આ વિદ્યાર્થીઓને દાંડી ઉપરાંત સુરતના ઐતિહાસિક તેમજ ઔદ્યોગિક સ્થળોની મુલાાકાત કરાવવામાં આવી હતી.
5 દિવસનો કાર્યક્રમઃ ભારતના ધરતી પરના સ્વર્ગ કાશ્મીર ખીણ યુવાનો આંતકવાદને બદલે દેશની એકતા અને દેશપ્રેમની ભાવનાથી કેળવાય તે માટે ભારત સરકાર અને નહેરુ યુવા કેન્દ્ર, સુરત દ્વારા આ વિશિષ્ટ પ્રવાસનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તા.14થી 19 ડિસેમ્બર સુધી કાશ્મીરના વિદ્યાર્થીઓ સુરતના મહેમાન બન્યા છે. આ કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર સુરત જીલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કાશ્મીરના વિદ્યાર્થીઓને વિવિધ સ્થળોની સૂચક મુલાકાત પણ સામેલ છે.
વિવિધ સ્થળોની મુલાકાતઃ આજે કાશ્મીરના વિદ્યાર્થીઓને દાંડી ઉપરાંત સુરતના ઐતિહાસિક તેમજ ઔદ્યોગિક સ્થળોની મુલાાકાત કરાવવામાં આવી હતી. જેમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વિદ્યાર્થીઓને બામ્બુ સેટઅપ તેમજ ખેતી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ઝેડ. પી. પટેલ દ્વારા ખેતીની નવી ટેકનોલોજી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દાંડીની સૂચક મુલાકાતઃ દાંડીની મુલાકાત કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, પ્રદેશ મંત્રી શીતલ સોની, નવસારી નગર પાલિકા પ્રમુખ મીનલ દેસાઈ અને ભક્તાશ્રમ શાળાના ધર્મેશ કાપડિયા તેમજ નવસારી નહેરુ યુવા કેન્દ્રના હર્ષા વોઘરા ઉપસ્થિત રહ્યા હતા. કાશ્મીરના વિદ્યાર્થીઓને દાંડીમાં નેશનલ સોલ્ટ મેમોરિયલમાં સાક્ષાત મહાત્મા ગાંધીજીની અનુભૂતિ થઈ હતી. ગાંધીજીને માત્ર ચોપડીઓમાં વાંચ્યા બાદ અહીં આવીને વિદ્યાર્થીઓએ ગાંધીજીને જાણ્યા, માણ્યા, વાગોળ્યા અને અનુભવ્યા હતા.
અમને ગુજરાત આવીને ઘર અને કુટુંબ જેવી ફિલિંગ આવે છે. અમે પ્રવાસની શરુઆતમાં બહુ ડરતા હતા પણ અમને અહીં આવીને બહુ સારુ લાગ્યું છે. કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે, સુરત આવી સુરત પણ અમને સ્વર્ગ લાગી રહ્યું છે. અહીં અમે ગાંધીજી ચાલ્યા હતા તે દરેક પગલા જોયા. તેમણે અહીં જે કર્યુ હતું તેના વિશે જાણ્યું...બસ્મા ગુલઝાર (વિદ્યાર્થીની, કાશ્મીર)
ગુજરાતના કલ્ચર, રહેણી કરણીથી અમને ઘણું શીખવા મળ્યું. મીઠા સત્યાગ્રહના સ્થળે આવીને હું મારી જાતને નસીબદાર ગણું છું. કાશ્મીરના લોકોને હું વિનંતી કરું છું કે દાંડી, સુરતની એકવાર અવશ્ય મુલાકાત લે...રિઝવાન ચૌધરી (વિદ્યાર્થી, કાશ્મીર)