- કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ પ્લાઝમા ડોનેટ કર્યુ
- કોરોનાને માત આપ્યા બાદ કર્યો હતો સંકલ્પ
સુરત: કરંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ પ્રજાની સેવા કરતા કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી છે અને કોરોના દર્દીઓને મદદરૂપ થવાં પ્લાઝમા દાનની અનુકરણીય પહેલ કરી છે. પ્રજાના આ પ્રતિનિધિ સ્મીમેર હોસ્પિટલના પ્લાઝમા ડોનર બન્યા છે.
ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ પ્લાઝમા ડોનેટ કર્યુ
ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીને 02 સપ્ટે.ના રોજ તાવના લક્ષણો જણાતાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. 40 ટકા જેટલી કોરોનાની અસર હતી, પણ ઓક્સિજનની ઊણપ કે અન્ય કોઈ શારીરિક તકલીફ ન જણાતા 15 દિવસ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી હતી. ઘરે જ સ્મીમેરના ડોકટરોની સારવાર મેળવ્યાં બાદ ૨૦ સપ્ટે.ના રોજ કોરોનાને મ્હાત આપી ફરી એકવાર પ્રજાની સેવામાં કાર્યરત થયા છે.
કોરોનામુક્ત થતાં જ કર્યો હતો સંકલ્પ
પ્લાઝમા દાન દ્વારા સાચા લોકસેવકની પ્રતીતિ કરાવનાર પ્રવિણ ઘોઘારીએ જણાવ્યું હતું કે, કોરોનામુક્ત થતાં જ સૌપ્રથમ સંકલ્પ કર્યો હતો કે, 28 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરીશ. જેથી 28 દિવસ પૂર્ણ થતા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું છે. આપણું પ્લાઝમા બે દર્દીઓની સારવારમાં ઉપયોગી બની રહે છે એમ તેમણે જણાવ્યું હતું.
નોંધનીય છે કે, ધારાસભ્યએ લોકડાઉન સમયે શ્રમિકોને ભોજન, રાશનકિટસ તેમજ અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની જવાબદારી બખૂબી નિભાવી હતી. આ ઉપરાંત હોટસ્પોટ વિસ્તારોમાં ડિસઈન્ફેકશનથી લઈને લોકોમાં કોરોના વાઈરસ સામે જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો ઉપરાંત શ્રમિકોને પોતાના વતન હેમખેમ પહોચાડવા સહિતની અનેક લોકલક્ષી કામગીરી વહન કરી હતી.