સુરત: આયકર વિભાગની ડીડીઆઇ વિંગ દ્વારા રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપને ત્યાંથી 220 કરોડથી વધુના બેહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. હાલમાં પણ 22માંથી 10 જગ્યા ખાતે તપાસની કામગીરી ચાલી રહી છે. સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપ ખાતે ઇન્કમટેક્સ વિભાગના ડીડીઆઇ(ડિરેકટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન) વિંગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. 22 જેટલા સ્થળોએ શરૂ કરવામાં આવેલી તપાસ હજુ પણ 10 સ્થળ ખાતે ચાલી રહી છે. પરંતુ ચાર દિવસની તપાસ દરમિયાન વિભાગને 200 કરોડથી વધુના મુલ્યના બે હિસાબી વ્યવહારો મળી આવ્યા છે.
બેહિસાબી વ્યવહારો ઝડપાયા: વિભાગ દ્વારા મળી આવેલ દસ્તાવેજો, સોદાચિઠ્ઠી ડાયરી, ચેક,તેમજ અન્ય કરારોનું વેરિફિકેશન કરવાની શરૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓના ઘરેથી પણ કરોડોના વ્યવહાર મળી આવ્યા હતા. તપાસ દરમિયાન અન્ય નામો સામે આવશે તો તેમને પણ નોટિસ મોકલી જવાબ લખાવવા માટે બોલાવવામાં આવશે. વિભાગ દ્વારા ખાસ કરીને પાછલા વર્ષોના જે સોદાઓ છે. તેમાં પેમેન્ટ કન્ડીશન શું છે, કોની-કોની સાથે સોદાઓ થયા છે ? તે અંગેની તપાસ ચાલી રહી છે. સુરાના ગ્રુપમાં પણ અધિકારીઓ જે પ્રોજેક્ટ સાકાર થયા છે તે જમીન કોની હતી, કોને કેટલુ પેમેન્ટ કર્યું તેને ચકાસી રહ્યા છે. આ ઉપરાંત ફ્લેટ તેમજ વેચાણ બાબતે બ્લેક અને વ્હાઇટનો પેમેન્ટ રેશિયો પણ અધિકારીઓ ચકાસી રહ્યા છે.
18 લોકર મળી આવ્યા હતા: હાલમાં વિભાગ દ્વારા 10 સ્થળોએ તપાસ ચાલુ રાખવામાં આવી છે. દરમિયાન લોકરની તપાસ પણ બાકી છે. અત્યાર સુધીની તપાસમાં વિભાગને 6 કરોડ રોકડા અને 18 લોકર મળી આવ્યા હતા. ઉપરાંત કંસલ ગ્રૂપનું યાર્નના વ્યવસાયમાં મોટું નામ છે એ દિશામાં પણ તપાસ કરવાની બાકી છે. જેથી આગામી સમયમાં કરોડો રૂપિયાનું કાળું નાણું આ બે ગ્રુપ પાસેથી મળી આવે તો નવાઈ નહિ.