સુરત : આગામી 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે. જેમાં કુલ 1.25 લાખથી વધુ નાગરિકો એક સાથે યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે.
સુરતમાં આયોજન : રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણીનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે. જે સંદર્ભે આજરોજ રમતગમત વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી.
ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગદિનની વિશ્વભરમાં 21મી જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ના નારા સાથે 'વસુદેવ કુટુંબકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગ'ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજ્યકક્ષાના યોગદિનની ઉજવણી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે.જેમાં શહેરીજનોને મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કરવામાં આવે છે. સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે અંદાજે 1.25 લાખથી વધુ લોકો એક સાથે યોગ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. --- અશ્વિનીકુમાર (અગ્રસચિવ, રમત ગમત વિભાગ)
તમામ વ્યવસ્થા પૂર્ણ : આ અંગે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું કે, મગદલ્લા વાય જંકશનથી પાર્લે પોઇન્ટ સુધી તથા વાય જંકશનથી બ્રેડલાઇન સર્કલથી ગાંધી કુટિર સુધી 12 કિલોમીટરના રસ્તા પર યોગ કરવામાં આવશે. 1.25 લાખ લોકો યોગદિનના કાર્યક્રમમાં જોડાશે. જેમાં 125 જેટલા બ્લોક બનાવવામાં આવ્યા છે. દરેક બ્લોકમાં 1000 લોકો યોગ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બ્લોકમાં LED સ્ક્રીન હશે અને સ્ટેજ પરથી યોગ ટ્રેનર નિર્દેશન કરશે. લોકોને કોઈ અગવડ ન પડે તે માટે પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વર્લ્ડ રેકોર્ડ બનશે : આ બાબતે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, આગામી 21મી જૂને યોગદિનની રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે થનાર છે. જે શહેર માટે ગૌરવપૂર્ણ વાત છે. યોગદિનની ઉજવણીમાં સૌ નાગરિકોને જોડાવા માટે https://suratidy2023.in લિંક પર રજીસ્ટ્રેશન કરવાની રહેશે. જોકે આજદિન સુધીમાં 26 હજાર લોકોએ રજી સ્ટ્રેશન કર્યું છે. યોગદિનના કાર્યક્રમમાં શાળા-કોલેજો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક એસોસિયેશન, પતંજલિ, બ્રહ્માકુમારી, આર્ટ ઓફ લિવિંગ, ડોક્ટર એસોસિએશન, ગાયત્રી પરિવાર તથા અન્ય શહેરીજનો મોટી સંખ્યામાં જોડાશે. આ વખતે આપણે 1 લાખ 25 હજાર લોકો એક સાથે યોગ કરી ગીનીશ બુક ઓફ રેકોર્ડમાં નામ સ્થાપિત કરવાનું છે. આ પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગેનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ જયપુર શહેરનો છે. જેમાં 1.09 લાખ લોકોએ એક સાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.