- આજે વિશ્વ કિડની દિવસ
- રાજ્યમાં કિડની ડોનેશનમાં પ્રથમ સ્થાન ધરાવે છે સુરત
- ગુજરાતમાં પ્રથમવાર 2006માં સુરતથી જ ઇન્ટરસિટી કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ
સુરત : આજે વિશ્વ કિડની દિવસ છે. કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીના રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વના તમામ દેશો આજના દિવસને વિશ્વ કિડની દિવસ ઉજવે છે. ત્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરત રાજ્યમાં કિડની ડોનેશનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને આ માટે સુરતની ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરત છે. ગુજરાતમાં પ્રથમવાર 2006માં સુરતથી જ ઇન્ટરસિટી કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ હતી. કિડનીના જુદા જુદા રોગો અને ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયથી ભયજનક વધારો જોવા મળી રહ્યો છે. એક અધ્યયન મુજબ દર દસમાંથી એક વ્યક્તિને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે.
સુરતથી કિડની ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામાં વધારો
સુરતમાં વર્ષ 2006થી કાર્યરત સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, અન્ય શહેરો કરતાં સુરતથી કિડની ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા વધારે છે. માત્ર સુરતથી અત્યાર સુધી 379 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. ગુજરાતમાં માત્ર અમદાવાદના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સેન્ટર ખાતે તમામ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જે કારણે અનેક લોકોને નવું જીવનદાન મળ્યું છે. અમદાવાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 50 ટકા કિડની ટ્રાન્સપ્લાન્ટના બનાવ સુરતના લોકોના કારણે થયા છે.
સુરતથી જ પ્રથમવાર ઇન્ટરસિટી ટ્રાન્સપ્લાન્ટેશનની શરૂઆત થઇ હતી
નિલેશ માંડલેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં ડાયાલિસિસ માટે 15 સેન્ટર છે. જેમાંથી અનેક સેન્ટર નિ:શુલ્ક દર્દીને ડાયાલિસિસ કરી આપે છે. એક અનુમાન મુજબ દેશમાં બે લાખ લોકો એવા છે, જેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ થકી નવજીવન દાનની જરૂરિયાત છે. ઘણા વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યા છે. જો કે સુરતથી જ પ્રથમવાર ઇન્ટરસિટી ટ્રાન્સપ્લાન્ટેશનની શરૂઆત થઇ હતી. જેના કારણે અન્ય શહેરોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે અને ગુજરાતના રાજકોટ, વડોદરા, આણંદ જેવા શહેરોથી પણ લોકો સામે આવી પરિવારના સભ્યનો કિડની ડોનેટ કરાવી રહ્યા છે. વિદ્યાર્થી, બીપીએલ કાર્ડ ધારક અને જરૂરિયાત મંદને નિ:શુલ્ક કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જ્યારે અન્ય કેસોમાં આ ખર્ચ ચાર લાખ સુધીનો હોય છે. જેમાં એક લાખની સહાયતા અઢી લાખથી ઓછા ઇનકમ ધારકોને મુખ્યપ્રધાન અને દોઢ લાખની આર્થિક સહાય વડાપ્રધાન ફંડમાંથી મળે છે.