સુરત : લાંબા સમયથી માંગરોળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અનિયમિત બનેલા વીજ પુરવઠા તથા વારંવાર પાવર-કટ થી ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. આજે બહોળી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જેટકો કંપનીની કચેરી પહોંચ્યા હતા. ત્યાં હલ્લાબોલ કરી આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.
અનિયમીત વીજ પુરવઠો : માંગરોળ તાલુકાની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ઉદ્યોગ એકમો આવેલા છે. દર મહિને ૨૨૫ કરોડ થી વધુ રુપીયાના વીજબિલ આ ઉદ્યોગો દ્વારા ભરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનિયમિત બનેલ વીજ પુરવઠાને કારણે ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન થઈ ગયા છે. DGVCL તેમજ જેટકો કંપનીને વારવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ઉદ્યોગપતિઓ અકળાઈ ગયા હતા. આજરોજ સૌ ઉદ્યોગપતિઓ એકઠા થઈને જેટકો કંપનીની ઓફિસ પહોંચી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.
આજે આ વિસ્તારના ઉદ્યોગકારો એક આવેદન પત્ર લઈને જેટકોની ઓફિસે પહોંચ્યા હતા. છ મહિના પહેલા જે કામોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. એ કામની કામગીરી ક્યાં સુધી પહોંચી એ હિસાબ લેવા આવ્યા હતા. હાજર અધિકારીઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આગામી 15 ઓગસ્ટ સુધીમાં આ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા જો દૂર નહિ થાય તો અમે વીજ બિલ નહિ ભરીએ.-- પ્રવીણ દોંગા (માંગરોળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન મંત્રી)
ઉદ્યોગપતિનું અલ્ટીમેટમ : આગામી દિવસોમાં જો જેટકો કંપની દ્વારા કે DGVCL કંપની દ્વારા સંતોષકારક કામગીરી નહી કરવામાં આવે તો લાઈટ બીલ નહી ભરવામાં આવે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. રજૂઆત કરવા પહોંચેલા ઉદ્યોગપતિઓનો રોષ જોઈને અધિકારીઓ કચેરીમાં પણ દોડતા થઈ ગયા હતા. સતત ઉદ્યોગપતિઓને શાંત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમજ જેટકો કંપનીના અધિકારી તેમજ DGVCL ના અધિકારી દ્વારા રજૂઆત કરવા પહોંચેલા ઉદ્યોગપતિઓને સમજાવ્યા હતા. આગામી થોડા દિવસોમાં તમામ સમસ્યાઓ હલ થઈ જશે તેવી બાંહેધરી આપી મામલો શાંત પાડ્યો હતો.
અધિકારીની બાંહેધરી : આ અંગે જેટકો કંપનીના અધિકારી એન.જી.ગઢવી એ જણાવ્યું હતું કે, વીજ પુરવઠાની સમસ્યા ટેકનિકલ કારણોસર થાય છે. આ સમસ્યા હલ થાય તેના પર અમે કામ કરીશું અને આગામી 15 ઓગસ્ટ સુધીમાં આ સમસ્યાનું હલ થાય તેવી ખાતરી આપવામાં આવી છે.