સુરત: અમદાવાદ મેડિકલ એસોસિયેશને સરકારને નવરાત્રી ગરબા આયોજનને પરવાનગી નહીં આપવા સૂચના આપી હતી. આ સૂચનાના વિરોધમાં ગરબા કલાકાર અભિલાષ ઘોડાએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી. જે પોસ્ટને લઇને ડોકટર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી ઈન્ડિયન મેડિકલ ઓસોસિયેશને માગ કરી કે, અભિલાષ ઘોડા જાહેરમાં માફી માગે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડૉ.મોના દેસાઈએ સરકારને નવરાત્રી ગરબા માટે પરવાનગી આપવી જોઈએ નહીં તેવી સૂચના આપી હતી. જેની વિરુદ્ધમાં કલાકાર અભિલાષ ઘોડાએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી. જેને લઈ તમામ મેડિકલ એસોસિયેશનના ડૉક્ટર્સે સખત વિરોધ નોંધાવ્યો છે. અભિલાષ ઘોડા જાહેરમાં માફી માગે તેવી માંગણી પણ તેમણે કરી છે. એસોસિયેશને જણાવ્યું કે, અભિલાષ ઘોડાને જો કલાકારોની આર્થિક પરિસ્થિતિની ચિંતા હોય તો તેમણે સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ આર્થિક પેકેજની માંગણી કરવી જોઈએ.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાતના પ્રમુખ ડૉ.ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે, અમારો આ હેતુ માત્રને માત્ર કોરોનાનું સંક્રમણ સમાજમાં વધતું અટકાવવા માટેનો છે. ગરબામાં ઘણા ખેલૈયાઓ ભેગા થાય અને સામાજિક અંતર જાળવી નહીં શકે, તેની પૂરેપૂરી શક્યતાઓ છે. જો તેમાં એકાદ-2 પણ કોરોનાના દર્દી હોય તો તેઓ બીજા લોકોને પણ પોઝિટિવ કરી શકે છે. આ ઉદુપરાંત કલાકારોને પણ કોરોના થઇ શકે છે. કોરોનાને ખબર નથી કોણ ખેલૈયા છે ને, કોણ કલાકાર છે. તમામને કોરોના થવાની શક્યતાઓ છે.
ડૉ.ચંદ્રેશ જરદોશે વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉ પણ આપણે ગણેશ ઉત્સવ, રથયાત્રા જેવા તમામ ઉત્સવો ઘરેથી સાદાઈથી ઉજવ્યા છે. અમારો કોઈપણ કલાકાર પ્રત્યે વિરોધ નથી. ફક્ત અને ફક્ત લોકોની જાનહાનિ થતી અટકાવવી, કોરોનાના ચેપને વધતો અટકાવવો અને જનજીવન રાબેતા મુજબ શરૂ થાય તે માટે જ સરકારને વિનંતી કરીએ છીંએ.