સુરત : ચોર્યાસીના ધારાસભ્ય અને તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના અન્ય મહિલા સાથે સ્નાન કરતા કથિત ફોટો વાયરલ થતા ચકચાર મચી હતી. આ મામલે 15 મહિના બાદ માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાંસિયાની ધરપકડ થઈ છે. સુરત ગ્રામ્ય LCB પોલીસે મોડી સાંજે આરોપીની ધરપકડ કરતા ભાજપ પક્ષ સહિત રાજકારણ ગરમાયું છે.
ભાજપ પ્રમુખના વાયરલ ફોટો : ઓગસ્ટ 2022 માં જિલ્લા ભાજપના તત્કાલીન પ્રમુખ અને હાલમાં ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈના એક મહિલા સાથે સ્વિમિંગ પુલમાં સ્નાન કરતા કથિત ફોટો વાયરલ થયા હતા. તે સમયે વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી રાજકારણ ગરમાયું હતું. આ મામલે સંદીપ દેસાઈએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તપાસ કરી રહેલી સુરત ગ્રામ્ય LCB પોલીસે સંદીપ રામ અવતાર લોઢી, હિરેન ગુણવંત દેસાઈ અને પ્રણવ અરુણ વાંસિયા નામના શખ્સની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી.
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પર નજર : પોલીસની તપાસ અને અટક કરેલા લોકોની પૂછપરછ દરમિયાન જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાંસીયાનું નામ ખુલ્યું હતું. પોલીસે તે સમયે હિતેન્દ્રસિંહ વાંસિયાને પણ આરોપી બનાવી વોન્ટેડ જાહેર કર્યા હતા. આ મામલે 15 મહિના થઈ ગયા હોવા છતાં હિતેન્દ્રસિંહ પોલીસ પકડથી દૂર હતો. ઉપરાંત તેમણે આગોતરા જામીન માટે સુપ્રીમમાં અરજી કરી હતી, પરંતુ તેમના આગોતરા નામંજૂર થયા હતા.
હિતેન્દ્રસિંહની ધરપકડ : ત્યારે સોમવારે સાંજે સુરત ગ્રામ્ય LCB પોલીસે હિતેન્દ્રસિંહ વાંસીયાની ધરપકડ કરી હતી. હવે તેઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડની માગણી કરવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈને ભાજપ સંગઠનમાં ભારે ખળભળાટ મચવાની સાથે રાજકારણ ગરમાયું છે.
પોલીસ તપાસ : સુરત ગ્રામ્ય LCB પોલીસે PI આર.બી. ભટોળે જણાવ્યું હતું કે, ફરિયાદી સંદીપ દેસાઇ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી હિતેન્દ્રસિંહનું નામ ખુલતા તેઓની હાલ અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.