સુરતઃ લોકડાઉન સમયે લાખોની સંખ્યામાં પોતાના વતન ગયેલા શ્રમિક ફરી સુરત આવી રહ્યા છે. જેથી સુરતમાં કોરોના પોઝિટિવ કેસમા વધારો થઇ શકે છે તેવું સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં દરોજ હજારોની સંખ્યામા શ્રમિકો સુરત આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં ખાસ શ્રમિક ટ્રેનો થકી પણ લોકો અન્ય રાજ્યોથી સુરત આવી શકે છે. જેથી મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન પર કોરોના રેપિડ ટેસ્ટ કરવાની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
શ્રમજીવીઓ ઓડિશા સુરત આવી શકે તે માટે કેન્દ્ર સરકારે ટ્રેનની જાહેરાત કરી છે. આવનાર દિવસોમાં ટ્રેનોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જેને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન પર થતા થર્મલ સ્કેનિંગ અને પલ્સ ઓક્સીમીટર તપાસ સાથે રેપિડ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
આ અંગે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, દરોજ સુરતમાં ચારથી સાડા ચાર હજાર પરપ્રાંતિય શ્રમિકો આવી રહ્યા છે. તે તમામનું રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ અને પલ્સ ઓક્સિમીટર પરથી ચેકિંગ કરવામાં આવે છે. જેને લક્ષણ દેખાય છે તેઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. દરોજ 400થી 500 જેટલા લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાંથી બેથી ત્રણ લોકો પોઝિટિવ આવે છે.