સુરત : કોરોના વાઈરસ સંક્રમણને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસનું લૉકડાઉન લાગુ કર્યુ છે. જેના કારણે ગરીબ વર્ગને બે ટંક મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં પણ શ્રમિકોની હાલત કફોળી બની રહી હતી, ત્યાં ટેક્સટાઈલ માર્કેટમાં અન્નપૂર્ણા નામની સંસ્થા શ્રમિકોના વ્હારે આવી છે. આ સંસ્થા માર્કેટમાં કામ કરતાં 1200 જેટલા શ્રમિકોને ભોજન બે ટંકનું ભોજન આપી માનવતા દાખવી રહી છે.
સુરત એક એવું શહેર જ્યાં રાજ્યભરના લોકો કામની શોધમાં આવે છે. કારણ કે, આ શહેર શ્રમિકોને પૂરતો રોજગાર આપે છે. જેથી અહીં શ્રમિકોની સંખ્યા વધુ જોવા મળે છે. પરંતુ આજે કોરોના વાઈરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનથી શ્રમિકોની સ્થિતિ કફોળી બની રહી છે.
આમ, જે શહેર તેમને બે ભરપેટ જમાડી સુવડાવતું હતું. એ જ શહેરે આજે તેમનાની મોં ફેરવી લીધુ હોય તેમ લાગી રહ્યું હતું. પણ કહેવાય છે કે, અંધેરે મેં ભી રોશની કિ એક ઉમ્મીદ હોતી હે... બસ આવું કામ સુરતની અન્નપૂર્ણા નામની સંસ્થા કરી રહી છે. આ સંસ્થા ટેક્સટાઈલ માર્કેટના શ્રમિકોને બે ટંકનું ભોજન પુરૂ પાડીને લોકસેવાનું ખરું ઉદાહરણ પૂરુ પાડી રહી છે.
અન્નપૂર્ણા સેવા સંસ્થા દ્વારા પ્રતિદિવસ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા 1200 જેટલા શ્રમિકોને નિશુલ્ક ભોજન આપવામાં આવી રહ્યું છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણી હાજર રહી શ્રમિકોને જમવાનું આપ્યું હતું. સાથે આશ્વાસન આપ્યું હતું કે, તેઓને કોઇ પણ અછત વર્તાશે નહીં.
નોંધનીય છે કે, લોકડાઉન વચ્ચે રીંગ રોડ ખાતે આવેલા સિલ્ક હેરિટેજ માર્કેટમાં કાર્યરત તમામ શ્રમિકો સામે બે વખત જમવાની સમસ્યા ઉભી હતી, ત્યારે તેમના વ્હારે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ આવ્યું છે. જે સોશિયલ ડિસ્ટન્સ રાખી આ તમામ શ્રમિકોને ભરપેટ જમવાનું આપી રહી છે. તો બીજી તરફ શ્રમીકોને બે વખત જમવા માટે ભોજન મળે તે માટે તંત્ર પણ કાર્યરત થયું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણીએ પોતે સ્થળની મુલાકાત કરી કોઈ ભૂખે ન રહે તેનું ધ્યાન રાખી રહ્યા છે.
અન્નપૂર્ણ સેવા ટ્રસ્ટ આમ તો, લોકોને માત્ર 30 રૂપિયામાં દરરોજ ભરપેટ જમવાનું આપે છે. પરંતુ લૉક ડાઉનની સ્થિતિએ આ ટ્રસ્ટે શ્રમિકોને નિઃ શુલ્ક જમવાનું આપવાનો નિર્ણય કર્યો છે. શહેરમાં અનેક જગ્યાએ જ્યાં શ્રમિકો મોટી સંખ્યામાં રહે છે ત્યાં આ સંસ્થા શ્રમિકોને જમવા માટે આપી રહી છે. જે લોકો આ સંસ્થા સુધી નથી હોંચી શકતા આવા શ્રમિકોને ઘર સુધી આ જમવાનું પહોંચાડી રહી છે.