સુરતમાં ઓનલાઈન નટવરલાલના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હવે આ નેટના નટવરલાલે તો સુરતના પોલીસ અધિકારીઓને પણ છોડ્યા નથી. સુરતના રિટાયર પોલીસ કમિશ્નર સતીશ શર્માના ખાતામાંથી રૂપિયા 4,899 ઊપડી જતાં મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે. જેમાં ખુદ રિટાયર પોલીસ કમિશ્નરે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
જ્યારે પોલીસ અધિકારીના ખાતામાંથી રૂપિયા ઊપડી જતા હોય તો સામાન્ય જનતાના ખાતાની સુરક્ષા તો રામ ભરોસે છે. એમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. પીપલોદ ઝીંઝર હોટલની સામે ફોર સીઝન્સમાં રહેતા રિટાયર પોલીસ કમિશ્નર સતીશ શર્માનું ગાંધીનગરની એસબીઆઈ બેન્કમાં એકાઉન્ટ છે. 26મી તારીખે સવારે 7.45 વાગ્યે તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં નિવૃત્ત સીપીએ આવું કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવા છતાં ખાતામાંથી રૂપિયા 4,899 રૂપિયા ઊપડી ગયા હતા. અજાણ્યાએ રિટાયર પોલીસ કમિશ્નરનો ડેબિટ કાર્ડ નંબર અને પાસવર્ડ ચોરી કરી ડેબિટ કાર્ડમાંથી રૂપિયા 4,899નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ચાર મહિના પહેલાં પોલીસ કમિશ્નર સતીશ શર્મા સુરત ખાતેથી રિટાયર થઈને સુરતમાં સ્થાયી થયા છે.
હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે અને પોલીસ હવે આ ગુનેગારને પકડી શકે છે કે, કેમ તે જોવાનું રહ્યું.