સુરત: શહેરમાં છેલ્લા લાંબા સમયથી ડેન્ગ્યુ, ઝાડા-ઉલટી, તાવ, મલેરીયા, કોલેરા સહિતની બિમારીમાં દર્દીઓ સપડાઇ રહ્યા છે. ત્યારે આજરોજ ફરી પછી બેના ઝાડા-ઉલટીના કારણે મોત થવાની ઘટના સામે આવી છે. છેલ્લા ચાર મહિનામાં આ સિઝનમાં અત્યાર સુધી બિમારીમાં 17 બાળકો સહિત 36 વ્યક્તિના મોત થયા છે.
ઝાડા ઉલટીમાં મોત: શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલ ત્રિલોક સોસાયટીમાં રહેતા 14 વર્ષીય રિક્કી અજયકુમાર સિંહ જેઓ ધોરણ 10માં અભ્યાસ કરતા હતા. તેઓને ગત રવિવારે ઝાડા ઉલટી થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર આપ્યા બાદ ફરી પછી તેમની તબિયત વધુ ખરાબ થતા ગઇકાલે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા મોત થયું હતું.
ઝાડા ઉલટીમાં બીજું મોત: બીજા બનાવમાં યોગી ચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય કિરણબેન દિલીપભાઈ ઘોરીને ગત શનિવારે જ ઝાડા-ઉલટી થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ત્યારે ગઈકાલે ફરી તેમની તબિયત વધુ ખરાબ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ આ બંને વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે.
પાણીજન્ય રોગચાળો: ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરત મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો કાબુમાં લેવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વેની કામગીરી દરમિયાન 211 જેટલા ખુલ્લા પ્લોટ સર્વે વખતે 1750 પ્લોટમાં પણ મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. તે ઉપરાંત 12.63 લાખ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો.આ પ્રોપર્ટીઓમાં અલગ અલગ 33.68 લાખ સ્પોટ ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે ગત ચાર મહિના દરમિયાન 8123 નોટિસ પાઠવવામાં આવી છે. તો પછી દંડ પેટે 24.25 લાખની રૂપિયા વસુલાત પણ કરવામાં આવી છે.
43 મચ્છરોના બ્રિડિંગ સ્પોટ: 746 હોસ્પિટલોમાં પણ સર્વે કરાતા 20 હોસ્પિટલોમાં 25 બ્રિડીંગના કેસ મળી આવ્યા હતા. તથા શહેરના રિંગરોડ સહિતના વિસ્તારોમાં આવેલી નાની- મોટી કુલ 514 ટેક્સટાઈલ માર્કેટ, કોમર્શિયલ મિલકતોના 6000 થી વધુ સ્થળે તપાસ કરવામાં આવી હતી. અહીંથી આરોગ્ય વિભાગને કુલ 43 મચ્છરોના બ્રિડિંગ સ્પોટ મળી આવ્યા હતા. આ બાબતે 41 નોટિસ આપી 26 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.