સુરત: સુરત જિલ્લાના કામરેજ ગામે કાતિલ દોરીના કારણે અકસ્માત થયો. 15 વર્ષીય મૃતક બાળક સુમિતભાઈ ભૂપત ભાઈ સાગાળીયા બાઈક લઇને બાપા સીતારામ ચોક ખાતે હવન કુંડ લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન ગળામાં પંગતની દોરી ભેરવાઈ જતાં બાળકને ગંભીર ઇજા થઈ હતી. બાળકને સારવાર માટે તાત્કાલિક જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.
મૃતક બાળક મામાના ઘરે રહેતો હતો: મૃતક બાળક સુમિત ભૂપત ભાઈ સાગાળીયા જેઓનું વતન દેવડા ગામ જી.રાજકોટ હોવાનું જાણવા મળ્યું હતું. કામરેજ વિસ્તારમાં આવેલ વિઝડમ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓના મામા ભાવેશભાઈ રમેશ ભાઈના ઘરે રહેતો હતો. ત્યારે મૃતક બાળકના મામાએ સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી છે. કામરેજ પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો Makar sankranti 2023: રાજ્યની ઈમરજન્સી સેવા 108 માં કુલ 3744 કેસ નોંધાયા
કાતિલ દોરીના કારણે 24 કલાકમાં બેના મોત થયા: કામરેજ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં કાતિલ દોરીના કારણે બે મોત થયા છે. ગત સાંજના સમયે સંજય ભાઈ કરશન ભાઈ રાઠોડનું પણ મોત થયું હતું. જેઓ જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. નનસાડ ગામે રહેતા મામાને ત્યાં સામાજિક કામે આવ્યા હતા અને બાઈક લઇને નનસાડ થી કામરેજ ચારરસ્તા ચક્કર મારવા નીકળ્યા હતો તે દરમિયાન કાતિલ દોરી ગળામાં ભેરવાઈ ગઈ હતી અને અકસ્માત નડ્યો હતો. જે ઘટનામાં યુવકનું મોત થયું હતું. મૃતક યુવકની ઉમર 32 વર્ષ અને તેઓ એક સંતાનના પિતા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. ઘટનાનો જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો બેસણાની વિધિમાં મામાના ઘરે આવેલા ભાણેજનું ગળુ કપાતા મોત
પક્ષીઓને પણ માંજાથી ઈજા: મકરસંક્રાંતિ દરમિયાન વાહન ચાલકોને તો ઈજા થાય છે. પરંતુ સાથે સાથે અબોલ પક્ષીઓને પણ ખૂબ જ ઈજા પહોંચાડે છે. સુરતમાં ગઈકાલે અને આજે સવારે પણ સતત પક્ષીઓના ઘવાવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા હતા. ઘણી જગ્યા ઉપર રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. માંજાના કારણે પક્ષીઓને પાંખોના ભાગે ઈજાઓ થતા જીવ દયા સંસ્થાઓ દ્વારા જે સારવાર માટેના કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા ત્યાં તેમને ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર પણ આપવામાં આવી હતી.