સુરત: દિવાળીના તહેવારને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ધીમે ધીમે બજારોમાં ફટાકડાના સ્ટોલ ઉભા થઈ રહ્યા છે ત્યારે કોઈપણ જગ્યાએ વગર પાસ પરમીટએ ફટાકડાનો સમગ્ર કે વેચાણ ન થાય તે માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થયું છે. સુરત ગ્રામ્ય SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે માંગરોળ તાલુકાના ભાટકોલ ગામની સીમમાં એક તબેલાની આડમાં મોટી માત્રામાં અલગ અલગ પ્રકારના ફટાકડા બનાવવાનું કાચું રો મટીરિયલ બંચ તેમજ તૈયાર ફટાકડાનો જથ્થો સંગ્રહ કરાયો છે. જે બાતમીના આધારે સુરત ગ્રામ્ય SOG ટીમે છાપો માર્યો હતો અને તબેલાની આડમાં રહેલ ફટાકડાનું ગોડાઉન ઝડપી લીધું હતું.
ગેરકાયદે ફટાકડાનું ગોડાઉન ઝડપાયું: સ્થળ પરથી SOG ની ટીમને અલગ અલગ ભોયચકરડી, ફટાકડા બનાવવાનું કાચું રો મટીરિયલ બંચ, અલગ અલગ કલરના નાના મોટા સ્ટેલપર, સેલોટેપ, પ્લાસ્ટિકના પિવિસી પાઇપના ટુકડા મળી કુલ 7.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભરૂચ જિલ્લાના કોસમાડી ગામના સત્યપ્રકાશ હસમુખ હાંસોટી નામના ઇસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી: સુરત ગ્રામ્ય DYSP એ.જે પટેલ એ જણાવ્યું હતું કે દિવાળીના પર્વને લઈને સુરત ગ્રામ્ય SOG પોલીસે ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આ ફટાકડાનું ગેર કાયદેસર ગોડાઉન ઝડપી લીધું હતું. હાલ પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.