સુરત: સુરત શહેરમાં 30 મેના રોજ ખટોદરા વિસ્તારમાં જ્વેલર્સના ત્યાં એક કિલો સોનાની લૂંટની ઘટના સામે આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે જ્યારે આ સમગ્ર કેસની તપાસ હાથ ધરી ત્યારે કોઈ બોલીવુડ ફિલ્મની સ્ટોરીને ટક્કર આપે એવી હકીકત સામે આવી હતી. લૂંટની ઘટનાને અંજામ આપવા માટે જેને ષડયંત્ર રચ્યું હતું તે માસ્ટરમાઈન્ડ IIT ખડકપુરનો પૂર્વ વિદ્યાર્થી નીકળ્યો છે.
આર્થિક તંગીના કારણે લૂંટને અંજામ: ચોરી કરનાર 21 વર્ષીય મોહિત રાગવેન્દ્ર વર્મા મધ્યપ્રદેશના કેસર બાગરોડનો રહેવાસી છે. મોહિતના માતા પિતા ગુજરી ગયા હતા. ત્યારબાદ ઘરમાં કમાનાર કોઈ અન્ય વ્યક્તિ નહોતું. મોહિત ભાઈ-બહેનની સ્કૂલ કોલેજની ફી માટે પણ પૈસા ભરી શકતો નહોતો. જેથી આર્થિક તંગીના કારણે તેને લૂંટની ઘટનાને અંજામ આપવાનો નિર્ણય કર્યો હતો.
IIT નો વિદ્યાર્થી કેવી રીતે થયો અપરાધની દુનિયામાં શામેલ?: વર્ષ 2017 માં JEE મેન્સ ની પરીક્ષાને ક્લિયર કર્યા બાદ વર્ષ 2018માં ખડકપુર આઇઆઇટીમાં એડમિશન મેળવ્યો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ આર્થિક તંગીના કારણે તેને પોતાનું ભણતર છોડી અપરાધની દુનિયામાં આવવાનું નક્કી કર્યું. સુરતમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી મોહિતે સુરત ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું હતું કે આશરે જ મહિના પહેલા એક વર્ષા પવાર નામની મહિલાએ તેમને જણાવ્યું હતું કે સુરતમાં તેમના એક ઓળખીતા જ્વેલર્સ તેમને બિલ વગરનું ગોલ્ડ છે. જો કોઈ વ્યક્તિ બિલ વગર ગોલ્ડ ખરીદવા માંગે તો તેમનું સંપર્ક કરાવી આ ગોલ્ડનું વેચાણ કરાવી શકીએ અને જે કમિશન આવશે તે મળી જશે.
લૂંટની ઘટનાને અંજામ: આ વાત સાંભળી મોહિતે પોતાના મિત્રો સાથે મળી લૂંટની ઘટના અંગે ષડયંત્ર રચ્યું હતું. મોહિતએ વિચાર્યું હતું કે તે મિત્રો સાથે સુરત આવી જે વ્યક્તિ તેમને ગોલ્ડ બતાવશે તેને ગોલ્ડ ચકાસવાના બહાને ગોલ્ડ લૂંટીને ત્યાંથી ફરાર થઈ જશે અને ઇન્દોરમાં સોનું વેચીને તમામ વચ્ચે એક સરખા હિસ્સામાં રૂપિયાની વહેચણી કરશે. આ યોજના પ્રમાણે તેઓએ ઘટનાને અંજામ પણ આપ્યા તારીખે 30મી મેના રોજ આશરે અઢી વાગ્યાના સમયે ગોલ્ડના વેપારીએ જ્યારે તેમને બોલાવી ગોલ્ડ બતાવ્યું ત્યારે આ તમામ લોકોએ યોજના પ્રમાણે લૂંટની ઘટનાને અંજામ આપ્યા હતા.
તમામ આરોપીઓ ઇન્દોરના રહેવાસી: આ સમગ્ર મામલે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેવેન્દ્ર નર્વરીયા, મોહિત વર્મા, સૌરવ વર્મા અને પિયુષ વર્માની ધરપકડ કરાઈ છે. આ તમામ મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસીઓ છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આ લોકો કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા. પોલીસે તેમનો પીછો કરી તેઓની ધરપકડ કરી હતી. એક કિલો સોનાની કિંમત 65 લાખ રૂપિયા હતી. આ તમામ લોકો આ ગોલ્ડની લૂંટ કર્યા બાદ એમપી તરફ નાસી રહ્યા હતા.