સુરત: દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસાદ વરસશે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે આગાહી સાચી ઠરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. વાતવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને બફારાથી આંશિક રાહ થઈ હતી. વરસેલા વરસાદને પગલે બજારો પાણી પાણી થઇ ગઇ હતી તેમજ માંગરોળ તાલુકાના લોકોની જીવાદોરી સમાન જળાશયોમાં નવા નીર આવવાનું શરું થયું હતું.
'લાંબા વિરામ બાદ વરસાદ વરસતા સૌ ખેડૂતોમાં હરખની હેલી છે. આ વરસાદને લઈને અમારા પાકને જીવતદાન મળશે.' -સંજય ભાઈ, સ્થાનિક ખેડૂત
વાવ્યા ખાડીમાં નવા નીર: થોડા દિવસ અગાઉ માંડવી તાલુકાના મુંજલાવ અને બૌધાન ગામ વચ્ચે પસાર થતી વાવ્યા ખાડીમાં મોટી માત્રામાં નવા નીરની આવક થઈ હતી. જેને પગલે ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વાવ્યા ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં એક ગામથી બીજા ગામોનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
'દર વર્ષે વરસાદના પાણીથી આ ખાડી ઓવરફ્લો થઈ જાય છે. ખાડી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેને લઇને રાહદારીઓને ચાલવામાં તેમજ વાહન ચાલકોને બહુ તકલીફ પડે છે. એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી જાય છે. અનેકવાર રજૂઆત કરી કે આ ખાડી ઉપર હાઈ બેરલ બ્રિજ બનાવવામાં આવે પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે.' -વલ્લભભાઈ, સ્થાનિક આગેવાન